Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 12થી 14 વર્ષના બાળકો માટે વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આજથી ગુજરાતભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 12થી 14 વર્ષના બાળકો માટે વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
X

આજથી ગુજરાતભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો.


ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે તા.૧૬ માર્ચ બુધવારથી આ વેક્સિનેશન કાર્યવાહીનો આરંભ થયો છે. ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત ૧રથી ૧૪ વર્ષની વયના ૨૨.૬૩ લાખ જેટલા બાળકોને કોવિડ-19 ની રસી આપવામાં આવશે, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના ર૩.૦પ લાખ ડોઝ ઉપલબ્ધ છે, અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને રથી ૮ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્ષ વેક્સિનના ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવાના છે. તદ્દઅનુસાર, વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના ર૮ દિવસ બાદ બીજો ડોઝ અપાશે.


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમાં આ કામગીરી આશરે ર૦૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો પરથી રપ૦૦ થી વધુ વેક્સિનેટર્સ દ્વારા પ્રથમ દિવસે હાથ ધરાવાની છે. ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. વેક્સિનેશન કામગીરીના આ પ્રારંભ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Next Story