ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને મળી શકે છે મોટી જવાબદારી !

હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઇ શકે છે. ગુજરાત વિધાનસભાની આવતાં વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને

New Update

હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઇ શકે છે. ગુજરાત વિધાનસભાની આવતાં વર્ષે યોજાનારી ચૂંટણીને લઇને તેમને આ મોટી જવાબદારી મળી શકે છે. હાર્દિક ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે વૈચારિક રીતે જોડાયેલા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ કોંગ્રેસ કોઇ મોટું પદ આપી શકે તેમ છે. હાર્દિક અને જિગ્નેશને કોંગ્રેસ હાઇકમાન્ડે શનિવારે જ દિલ્હી બોલાવી લીધા હતા. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં પક્ષના તમામ રાષ્ટ્રીય સ્તરે વરિષ્ઠ નેતાઓ હાજર રહીને પક્ષની બાબતે ચર્ચા કરતાં હોય છે. આ બેઠકમાં જ આ નિર્ણય લેવાયો હોય અને હવે આ અંગેની સત્તાવાર જાહેરાત થઇ શકે છે, તેવું પક્ષના સૂ્ત્રોએ જણાવ્યું હતું. જિગ્નેશને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાઇ શકે તેવું પાર્ટીના સૂત્રો જણાવે છે.

કોંગ્રેસના કેટલાંક સિનિયર નેતાઓ માને છે કે ભરતસિંહ સોલંકીને જ કોંગ્રેસ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો હોય અને હાર્દિક તથા જિગ્નેશને આ નિર્ણયની જાણ કરવા માટે બોલાવાયા હોય તેવી શક્યતા છે. ભાજપે હાલમાં જ આખી સરકાર બદલીને ભૂપેન્દ્ર પટેલની સરકાર બનાવી છે. એવામાં કોંગ્રેસમાં પણ પટેલ પ્રદેશ પ્રમુખ હશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના અમુક મતો કોંગ્રેસને મળી શકે છે. બીજી તરફ, ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના પદ માટે સિનિયર નેતાઓની જ પસંદગી કરવાની બાકી છે. એવામાં યુવા પ્રદેશ પ્રમુખની પસંદગીથી કાર્યકર્તાઓમાં પણ નવો જોશ આવશે અને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે.