Connect Gujarat
ગુજરાત

ગુજરાતના આ વિસ્તારમાં છે ભારેથી અતિભારે વરસાદની આગાહી : રાજ્યના 190 તાલુકામાં વરસાદ ખાબક્યો

ગુજરાતના આ વિસ્તારમાં છે ભારેથી અતિભારે વરસાદની આગાહી : રાજ્યના 190 તાલુકામાં વરસાદ ખાબક્યો
X

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ દિવસ પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બુધવારે વરસશે ધોધમાર વરસાદ. હવામાન વિભાગના મતે 30 સપ્ટેમ્બરે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે. તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે આગામી સમયમાં જણાવવામાં આવશે. હાલ વાવાઝોડાનો કોઈ ખતરો નથી.

જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે ખાબકેલા વરસાદને લીધે રાજ્યમાં વાહનવ્યવહારને મોટી અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે,138 પંચાયતના માર્ગો મળીને કુલ 142 રસ્તાઓ બંધ થયાં છે. છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 100 મિ.મી કરતાં વધુ વરસાદ થયો છે. ઉમરપાડામાં 218 મિમી અને પલસાણામાં 192 મિમી વરસાદ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 83 ટકા અને મધ્ય ગુજરાતમાં 77 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 71 ટકા વરસાદ વરસ્યો છે.

સારા વરસાદથી જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 64 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 52 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 96 હાઈએલર્ટ પર છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 86 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 62 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.

Next Story