Connect Gujarat
ગુજરાત

ખેડૂતો માટે મોટા સમાચાર: વરસાદ મોડો પડશે તો સિંચાઇ માટે રાજય સરકાર પાણી છોડશે

ખેડૂતો માટે મોટા સમાચાર: વરસાદ મોડો પડશે તો સિંચાઇ માટે રાજય સરકાર પાણી છોડશે
X

CM રૂપાણી એ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા.૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું છે.

જળસંપત્તિ સચિવે જણાવ્યું છે કે, CM રૂપાણીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. તદ્અનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1,48,200 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

જે પૈકી હાલમાં 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે. જેમાં જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4, ફૂલઝર-1, ફૂલઝર-2, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-૩, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-2, આજી-3 અને ન્યારી-2ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલ છે. મોરબી જિલ્લાના બ્રાહ્મણી-1, ડેમી-1 ઘોડાધ્રોઇ અને ડેમી-2 ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે. પોરબંદર જિલ્લાના સોરઠી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે જળસંપત્તિ સચિવે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમમાં પીવાનું પાણી આરક્ષિત રાખ્યા બાદ 37,050 એકર વિસ્તારને બે પાણ આપવાનું આયોજન કરેલું છે. આ અંગે આ વિસ્તારની માંગણી આવ્યેથી પાણી આપવાનું શરૂ કરવામાં આવશે.

Next Story