ખેડા : ગુજરાત-ઓરિસ્સાના જનપ્રતિનિધિ સાથે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંવાદ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીજીટલ ભારતના વિઝનને આગળ વધારવા ભારત સરકારના ઉપક્રમ ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લીમીટેડ (BBNL) કંપની અને CSC ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લીમીટેડ દ્વારા દેશના છેવાડાના ગામો સુધી ઇન્ટરનેટની સુવિધા મળે તે માટે કામગીરી ચાલી રહી છે. ટેકનોલોજીના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો નાગરિકોને ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
સંચાર મંત્રાલય હેઠળની BBNL કંપની દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ગુજરાતના ખેડા જિલ્લાના તોરણીયા, નાની ખડોલ અને વઘાસ ગ્રામ પંચાયતો, મહેસાણા જિલ્લાના કરણનગર ગ્રામ પંચાયત સાથે સીધો સંવાદ કર્યો અને ઓરિસ્સા રાજ્યના કંધમાલ જિલ્લાના ભ્રમાંરબડી અને ગંજમ જિલ્લાના તુમ્બાગાડા ગ્રામ પંચાયતો સાથે સીધો સંવાદ કર્યો હતો. દક્ષિણ પૂર્વના ઓરિસ્સા રાજ્યના ૩૦ જીલ્લામાં ૫૧૩૧૩ ગામોમાં આગામી માર્ચ ૨૦૨૨ સુધી ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઇ જશે.
કંધમાલ જિલ્લાના ૧૨ તાલુકાની ૧૭૧ ગ્રામ પંચાયતોના ૨૫૮૭ ગામોમાં ઈન્ટરનેટ સર્વિસ ખુબ જ ટૂંકાગાળામાં ઉપલબ્ધ થાય તે દિશામાં સંચાર મંત્રાલય કાર્યરત છે. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ગ્રામ પંચાયતોમાં સરપંચો, તલાટી, CSC VLE સાથે ફ્રી વાઈફાઈ ઈન્ટરનેટની સુવિધા, સરકારની વિવિધ યોજનાઓના લાભો ટેકનોલોજીના માધ્યમથી નાગરિકો સુધી પહોચે તે માટે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ખેડા જીલ્લામાં ૪૧૨ ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડની સુવિધા ઉપલબ્ધ હોઈ સમાજકલ્યાણ, આવકના દાખલા, ઓનલાઈન વારસાઈ જેવી સુવિધાઓ ગ્રામ પંચાયતમાંથી મળી રહે છે. આ ઉપરાંત ગુજરાતમાં રાજ્ય સરકારની ડીજીટલ ગુજરાત એપ્લીકેશન દ્વારા વિવિધ ૫૫ જેટલી સરકારી યોજનાઓ માટે લાભાર્થી ઓનલાઈન અરજી કરી શકે છે.