Connect Gujarat
ગુજરાત

મહિસાગર હવે "ઉફાન" પર : મહી નદીમાં પાણીની આવક વધતા કાંઠા વિસ્તારના 30 ગામો એલર્ટ...

હાલ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેને કારણે ચેકડેમો તેમજ નદીઓ ઉભરાતી જોવા મળી રહ્યા છે.

મહિસાગર હવે ઉફાન પર : મહી નદીમાં પાણીની આવક વધતા કાંઠા વિસ્તારના 30 ગામો એલર્ટ...
X

હાલ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેને કારણે ચેકડેમો તેમજ નદીઓ ઉભરાતી જોવા મળી રહ્યા છે.જેને લઈને નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી સુરક્ષિત જગ્યાઓ પર ખસી જવા સૂચના આપવામાં આવી છે, ત્યારે લોકમાતા મહિસાગર પણ ઉફાન પર જોવા મળી રહી છે. મહી નદીમાં પાણીની આવક થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની તૈયારી જોવા મળી રહી છે. જેને લઈને તંત્ર એલર્ટ થતું જોવા મળી રહ્યું છે.

નર્મદાની સાથે હવે લોકમાતા મહીસાગર પણ ઉફાન પર છે, ત્યારે વડોદરા જિલ્લા કલેકટરે તંત્રને મહી કાંઠાના તમામ ગામોને સાવધાન કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે. મહી નદીના કાંઠે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ૧૫,પાદરા તાલુકાના ૧૦ અને વડોદરા તાલુકાના ૫ મળીને કુલ ૩૦ ગામો આવેલા છે, જ્યાં તકેદારીના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તમામ નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. મહી નદી ગાંડીતૂર થતા તેના પાણી નિચાણવાળા વિસ્તારોમાં પ્રવેશે તે પહેલા તંત્ર દ્વારા લોકોને સાવચેત કરી સુરક્ષિત જગ્યાએ ખસી જવા જણાવવામાં આવ્યું હતું. મહીસાગર પર આવેલા કડાણા ડેમના ઉપરવાસમાં વરસાદી વાતાવરણ છે.

મહી બજાજ સાગર બંધ અને અનાસ નદીમાંથી બંધમાં પાણીની આવક થઇ રહી છે. જેને અનુલક્ષીને હાલમાં આ બંધમાંથી ૯૫૪૮૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. જોકે, આજે સાંજના ચાર વાગ્યાથી કડાણા ડેમમાંથી નદીમાં ૪ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે. જેના પરિણામે રાત્રિના ૧૧ વાગે વણાકબોરી આડબંધ ખાતે પાણીની સપાટી વધીને ૨૩૮ ફૂટ થવાની સંભાવના છે. જે વ્હાઈટ સિગ્નલ માટેના નિર્ધારિત ૨૩૬ ફૂટના લેવલથી વધુ અને બ્લુ સિગ્નલથી ઓછી છે. તેના પગલે ફ્લડ સેલ દ્વારા નદી કાંઠાના ગામોમાં સિગ્નલ લેવલની મર્યાદા પ્રમાણે સાવચેતીના સૂચિત પગલાં લેવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રોને સૂચના આપવામાં આવી છે. તેની સાથે સ્થાનિક, જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ સાવચેતીના જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

Next Story