Connect Gujarat
ગુજરાત

મહેસાણા : ટોક્યો પેરાઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવનાર ભાવિના પટેલના જન્મદિવસે નીકળી ભવ્ય શોભાયાત્રા

ભાવિના પટેલના જન્મદિવસ નિમિત્તે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી તેણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

મહેસાણા : ટોક્યો પેરાઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવનાર ભાવિના પટેલના જન્મદિવસે નીકળી ભવ્ય શોભાયાત્રા
X

ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી ભારત દેશને ગૌરવ અપાવનાર ભાવિના પટેલના જન્મદિવસ નિમિત્તે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી તેણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ભાવિના પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ભારતમાં પ્રથમ અને વિશ્વમાં 8મું રેન્કિંગ ધરાવતી ભાવિના પટેલ પોતાના વતનમાં આવતા તે ખૂબ ખુશ છે, જ્યારે આખો દેશ ભાવિના પટેલની જીત માટે ગૌરવ લઈ રહ્યો છે, ત્યારે ભાવિના પટેલનું ગામ સુંઢિયા પોતાની દિકરીની જીતનો જશ્ન મનાવી રહ્યું છે. જોગાનું જોગ ભાવિના પટેલનો જન્મ દિવસ પણ દિવાળીના તહેવારોમાં આવતા સુંઢિયા ગામના યુવાનો તથા સોમજી પાટી પરિવાર દ્વારા જે.કે.લક્ષ્મી સિમેન્ટ તથા દાતાઓના સહયોગથી ક્રિશ્ના બા સંકુલ ખાતે ભાવિનાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

સુંઢિયા ગામના તમામ સમાજ તથા સંસ્થાઓ દ્વારા દીકરી ભાવિના પટેલનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામના આબાલ, વૃદ્ધ અને મહિલા તથા યુવાનો ભાવિનાને સન્માન આપવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જ્યારે ગામની દીકરી સિલ્વર મેડલ મેળવી દેશ અને દુનિયામાં ગામનું નામ રોશન કર્યું છે, ત્યારે આખું ગામ ખુશ થઈને જીતનો જશ્ન મનાવી રહ્યું છે. જેમાં એકમેકને મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી ગરબે ઘૂમીને લોકો ઝૂમી ઉઠ્યા હતા. આખું ગામ જાણે દિવાળી મનાવી રહ્યું હોય તેવો સુંદર માહોલ રચાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ભાવિના પટેલ તથા તેઓના પતિ નિકુંજ પટેલ, પિતા હસમુખ પટેલ, માતા નિરંજના પટેલ સહિત ગામના સરપંચ તથા મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story