પંચમહાલ જિલ્લાના હાલોલ-ગોધરા રોડ પરના મુખ્ય માર્ગ પર કપચી ભરેલ ડમ્પર ટ્રક ખાડામાં ફસડાઈ પડ્યો હતો. ગઈ હતી. જોકે, સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.
રાજ્ય સરકારના વિકાસ કાર્યો અંતર્ગત લાખો કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાઈપલાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોવાથી હાલ ચોમાસાની ઋતુમાં 2 દિવસ પૂર્વે જ્યારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના કંજરી રોડને ગોધરા રોડ પર આવેલ સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગ પર જ્યાં પાઈપો બેસાડી દેવામાં આવી હતી, ત્યાં માટી બેસી જવાથી મસમોટા ખાડા પડી ગયા છે.
જોકે, આ ગટર લાઈનની કામગીરી કરતા ઈજારદારની ગોબાચારી પણ સામે આવી હતી. જેમાં મુખ્ય માર્ગ પર કપચી ભરેલ એક ડમ્પર ટ્રક ખાડામાં ફસડાઈ પડ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, જ્યારે થોડા દિવસ પૂર્વે વરસાદમાં કંજરી રોડ પર એક કાર અને એક માલવાહક ટેમ્પો પણ રોડ પર પડેલા ભૂવામાં ફસાયો હતો. તો આ સાથે જ શહેરની વિવિધ સોસાયટીઓમાં પણ પાઈપો બેસાડી ચેમ્બરો બનાવ્યા બાદ ખોદેલા ખાડાઓમાં બરાબર પુરાણ કરવામાં નહી આવતા વરસાદમાં માટી બેસી જવા પામી છે. મુખ્ય માર્ગ પર જ મસમોટા ખાડા પડી જતાં રાહદારી તેમજ અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યાર હવે આ મામલે વહીવટી તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.