જન અધિકાર મંચના પ્રવીણ રામ હવે "આપ"ના, આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ સંગઠનને મજબૂત બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવનારાઓને પાર્ટીમાં સ્થાન આપી આપ સતત વિસ્તાર કરી રહી છે. આંદોલનકારી પ્રવીણ રામે સત્તાવાર રીતે આજે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે.
બે દિવસ પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે બેઠક કર્યા બાદ આજે જૂનાગઢમાં સ્થાનિક નેતાઓ ગોપાલ ઇટાલિયા સહિતનાની હાજરીમાં પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.આ પ્રસંગે પ્રવીણ રામે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં 2022માં આ ભ્રષ્ટ સરકારની જગ્યાએ શિક્ષિત અને ઈમાનદાર સરકાર બનાવવાનો પ્રયત્ન રહેશે.
આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા કામ કરીશ. અમને સરકારની કેટલીક નીતિઓ સામે વાંધો છે. રાજ્યમાં ગરીબ વર્ગના લોકો આવી નીતિઓથી ત્રસ્ત થઈ થાકી ગયા છે. જેથી આ અન્યાય સામે અવાજ ઉઠાવતો આવ્યો છું અને આગળ પણ ઉઠાવતો રહીશ.