વધતી જતી મોંઘવારીના કારણે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.
હાલ વધતી જતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ મેદાને આવ્યું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પીપાવાવ-અંબાજી નેશનલ હાઇવે પર ઘડીભર માટે ચક્કાજામ કરાયો હતો. પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવ વધારા સામે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ગેસના બોટલ સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જોકે, પોલીસ દ્વારા સમજાવટથી કોંગી નેતાઓએ કાર્યક્રમ બાદ રસ્તો ખુલ્લો કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોંઘવારીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પતરાવાળી ચોક વિસ્તારમાં ખેડૂતો, ગેસના બોટલ સાથે રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવ સામે જનતાની આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. સતત ભાવ વધારા મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
તો બીજી તરફ કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે પણ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજ શહેર જ્યુબિલી સર્કલ નજીક બાઇક રેલી યોજી કોગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં 40થી વધુ કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પરંતુ અહી સવાલ એ ઊભો થાય છે કે, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવે છે, અને ત્યારબાદ કોગ્રેસ શાંત થઈ જાય છે.