Connect Gujarat
ગુજરાત

આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી; ભરૂચમાં 68 ટકા જેટલો વરસાદ નોંધાયો

રાજ્યમાં હજુ પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી; ભરૂચમાં 68 ટકા જેટલો વરસાદ નોંધાયો
X

રાજ્યમાં હજુ પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. આ અંતર્ગત દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે 20 અને 21 સપ્ટેમ્બરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં હવે માત્ર 19 ટકા વરસાદની ઘટ છે.

વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો. જિલ્લાભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભરૂચ જિલ્લામાં સીઝનનો અત્યાર સુધી 68 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અંકલેશ્વર તાલુકામાં સીઝનનો 89 ટકા જેટલો નોંધાયો છે.

પોરબંદરનું જળ સંકટ દૂર થયું છે. પોરબંદરને પાણી પૂરુ પાડતા ખભાળા ડેમમાં એક વર્ષ ચાલે તેટલું પાણી છે. હાલ ડેમમાં 29.5 ફૂટ પાણી છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ વરસેલા ધોધમાર વરસાદને પગલે ખભાળા અને ફોદાળા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.

રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે રાજ્યમાં ૫૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં સૌથી વધુ અઢી ઈંચ, રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ જ્યારે પોરબંદરના કુતિયાણામાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના જે તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો તેમાં છોટા ઉદેપુરના સંખેડા-બોડેલી, વડોદરાના ડભોઇ, જામનગરના કાલાવડ, ભાવનગરના ઘોઘા, જુનાગઢના માણાવદર, રાજકોટના જેતપુર, ભરૃચના વાગરા, જામનગરના લાલપુર, બનાસકાંઠાના વડગામ, વડોદરાના કરજણ, છોટા ઉદેપુરના જેતપુર પાવી, બનાસકાંઠાના પાલનપુર, આણંદના ઉમરેઠનો સમાવેશ થાય છે. આ સિવાય ૩૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

આ સાથે જ રાજ્યમાં હવે 24.09 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 73 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં હવે માત્ર 19 ટકા વરસાદની ઘટ છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 86.06 ટકા વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં 75.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73.41 ટકા, મધ્ય ગુજરાત 61.42 ટકા અને ઉત્તર ગુજરાતમાં 57 ટકા વરસાદ નોંધાયો છે.

Next Story