રાજ્ય સરકાર "મક્કમ" : શિક્ષકોના વિરોધ વચ્ચે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો કરાશે પ્રારંભ
ગુજરાત રાજ્યમાં આવતીકાલથી એટલે કે, મંગળવારના રોજથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો પ્રારંભ કરવામાં આવશે, ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં આવતીકાલથી એટલે કે, મંગળવારના રોજથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો પ્રારંભ કરવામાં આવશે, ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મળેલી સંઘની બેઠક નિષ્ફળ જતા શિક્ષણ મંત્રીએ તાત્કાલિક પત્રકાર પરિષદ યોજી સર્વેક્ષણ લેવામાં આવશે તેવી કટિબદ્ધતા દર્શાવી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરવામાં આવી હતી. જોકે, હવે માંગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. તો સાથે જ આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી તેમ જણાવી પરીક્ષા કે, કસોટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રાજ્યમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો પ્રારંભ કરવામાં આવશે. શિક્ષણમાં ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શિક્ષણ તેમજ ગુણવત્તા સુધારવાના હકમાં છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યુ હતું કે, વર્ષ 2009માં યુ.પી.એ. સરકાર દ્વારા સમગ્ર દેશમાં નો-ડિટેન્શન પોલિસી લાવવામાં આવી હતી. જેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો ઘણો કાચો રહ્યો છે અને જે નુકશાન થયું છે, તેને ભરપાઇ કરવાનો આ રાજ્ય સરકારનો એક પ્રયાસ છે. રાજ્યના 1.18 લાખ જેટલા શિક્ષકોને આ સજ્જતા સર્વેક્ષણને આવકારી તેમાં જોડાવાની સંમતિ આપી છે. શિક્ષક પદવી-ડીગ્રી મેળવીને સેવામાં જોડાય તે પછી શિક્ષણ ક્ષેત્રમાં સમયાનુકૂલ અનેક ફેરફારો આવતા રહે છે. તેને અનુરૂપ તાલીમ સજ્જતા માટે આવું સર્વેક્ષણ પણ જરૂરી છે. શિક્ષક સંઘની આ અંગે સંમતિ લઇને જ રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યુ છે. જોકે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવેલ બહિષ્કારની જાહેરાત વ્યાજબી નથી તેમ જણાવ્યુ હતું.