Connect Gujarat
ગુજરાત

વડોદરા ફાયરબ્રિગેડ વિભાગ હવે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ; કંટ્રોલરૂમમાંથી થશે લાઈવ મોનીટરીંગ

ગુજરાતમાં સૌપ્રથમ વખત વડોદરા ફાયરબ્રિગેડ વિભાગ હવે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ થયુ છે.

વડોદરા ફાયરબ્રિગેડ વિભાગ હવે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ; કંટ્રોલરૂમમાંથી થશે લાઈવ મોનીટરીંગ
X


ગુજરાતમાં સૌપ્રથમ વખત વડોદરા ફાયરબ્રિગેડ વિભાગ હવે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ થયુ છે. વડોદરા શહેરમાં ઈમરજન્સી વખતે સમયનો વેડફાટ અટકાવવા અને લાઈવ મોનીટરીંગ માટે 7.50 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનો, ફાયર વાહનો તથા ઘટનાસ્થળનું લાઈવ મોનીટરીંગ કંટ્રોલરૂમમાં નિહાળી શકાશે. આ ઉપરાંત વડોદરા શહેર તથા આસપાસ આવેલા જળાશયોના જળસ્તરની માહિતી અધિકારીઓને લાઈવ મળી રહેશે.

વીતેલા વર્ષે સ્માર્ટ સીટી અંતર્ગત 7.50 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા ફાયર બ્રિગેડને સ્માર્ટ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં દાંડિયા બજાર, વડીવાડી, ટીપી13, ગાજરાવાડી, પાણીગેટ, જીઆઇડીસી અને દરજીપુરા ઇઆરસી ફાયર સ્ટેશનને કન્ટ્રોલ રૂમના 101 નંબર સાથે જોડી દેવામાં આવ્યા છે. દરેક ફાયર સ્ટેશન તથા ફાયર એન્જિનો ઉપર સીસીટીવી કેમેરા કાર્યરત કરાયા છે. બદામડીબાગ ખાતે આવેલા સીસીસી સેન્ટર ખાતે વિડિયો વોલ બનાવવામાં આવી છે.


જેમાં લાઈવ સ્ટ્રીમિંગ દેખાશે. ફાયર ગાડીમાં ડ્રાઇવર શોર્ટકટ રસ્તાથી ઘટનાસ્થળે વહેલી તકે પહોંચી શકે તે માટે લોકેશન દર્શાવતું ખાસ પ્રકારનું ડિવાઇસ મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની નવ જેટલી ટેન્કરોમાં જીપીએસ અને વોટર લેવલ સેન્સર લગાડવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે આગ લાગવાની ઘટનામાં ઈમરજન્સી સમયે ટેન્કરમાં પાણીની માત્રા કેટલી છે તે હવે સહેલાઇથી જાણી શકાય તે માટે પાણી લેવલ સેન્સર કાર્યરત કરાયું છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી રાત્રિના સમયે ઇમર્જન્સી કોલ મેસેજ અધિકારીઓના મોબાઇલ ફોન ઉપર ઓટોમેટીક પહોંચી જશે. જેથી સમય વેડફાતો અટકશે. ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા ફાયર બ્રિગેડ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઇ છે. આ પ્રોજેક્ટમાં વિશ્વામિત્રી આજવા ડેમ સહિતના સ્થળોએ પાણીનું લેવલ માપવા માટે પણ 10 વોટર લેવલ મૂકવાનું આયોજન હાથ ધર્યું હતું જે પૈકી 09 વોટર લેવલ સેન્સર કાર્યરત થઇ ચુક્યા છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના ડાયરેક્ટર મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા ફાયર બ્રિગેડને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે. હવે માત્ર બીજા તબક્કાનું ફાઇનલ ટેસ્ટિંગ અને ફાયર જવાનો માટે બે દિવસનો ટ્રેનિંગ પાર્ટ બાકી છે. જે કામગીરી પણ સપ્તાહ દરમિયાન પૂરી થઈ જતા નગરજનોને અત્યંત આધુનિક સિસ્ટમથી સજ્જ ફાયરની સુવિધા મળી રહેશે.

ઓટોમેટિક વિશ્વામિત્રી નદીની જળ સપાટી માપવા માટે જૂની પદ્ધતિની જગ્યાએ નવી સિસ્ટમ શરૂ થઈ છે. જેથી પાલિકાના કંટ્રોલ રૂમ સહિત અધિકારીઓના મોબાઇલ પર પાણીના જળસ્તરની રજેરજ માહિતી આ સિસ્ટમથી મળી રહે. આજવા સરોવર, કાલાઘોડા બ્રિજ, અકોટા બ્રિજ, આસોજ ફીડર, મુજ મહુડા બ્રિજ, નરહરિ બ્રીજ, પ્રતાપ નગર ડેમ, રાત્રી બજાર બ્રિજ, સમા હરણી બ્રિજ સહિત 09 સ્થળે સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. પુરની આપત્તિ સમયે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કેવી રીતે કરી શકીએ તેનું આગોતરું આયોજન થઇ શકશે.

Next Story
Share it