Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાપીના ડુંગરા-ચાણોદ વિસ્‍તારમાં વૃક્ષારોપણના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા

વલસાડ : વાપીના ડુંગરા-ચાણોદ વિસ્‍તારમાં વૃક્ષારોપણના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા
X

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરા તેમજ ચણોદ વિસ્‍તારમાં વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે વૃક્ષારોપણના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા. જે અનુસાર ડુંગરા ખાતે પ્રાથમિક શાળા, ભવાની મંદિર તેમજ ઝેડ.એચ.શાહ સાર્વજનિક હાઇસ્‍કુલ, પીડીલાઇટ ગાર્ડન, વિનર્સ અંગ્રેજી માધ્‍યમ શાળા-ચાણોદ વગેરે સ્‍થળોએ રાજ્‍ય વનમંત્રી અને મહાનુભાવોના વરદહસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, હિન્દુ સંસ્‍કૃતિમાં વૃક્ષોનું અનેરું મહત્ત્વ છે, અનેક ધાર્મિક કાર્યોમાં વૃક્ષોનું પૂજન થાય છે. પૃથ્‍વી ઉપર ઓક્‍સિજન વગર જીવન શક્‍ય નથી તેમજ કોરોના મહામારીમાં સૌને ઓક્‍સિજનનું મહત્ત્વ સમજાયું છે. કુદરતી રીતે ઓક્‍સિજન આપણને વૃક્ષો દ્વારા મળે છે, આ બાબતો ધ્‍યાને રાખી વૃક્ષોને આપણા જીવન સાથે સાંકળી મોટી સંખ્‍યામાં વૃક્ષોનું વાવેતર કરવા અનુરોધ કર્યો હતો. આપણું ગામ સુંદર ગામ બને અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવો રાજ્‍ય સરકારનો અભિગમ છે, ત્‍યારે સરકારની સાથે દરેક ગ્રામજનો ગામના વિકાસમાં સહભાગી બનશે તો પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનું વિકાસશીલ ભારતનું સ્‍વપ્‍ન જરૂર સાકાર થઈ શકશે.

પર્યાવરણ જાળવણી માટે જરૂરી વન વિસ્‍તારોમાં વધારો થાય તે માટે વન વિભાગ દ્વારા દર વર્ષે વન મહોત્‍સવની ઉજવણી અંતર્ગત લાખોની સંખ્‍યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્‍યાણ યોજના હેઠળ આંબા કલમોનું વિતરણ કરવામાં આવતાં ખેડૂતોની આવક વધવાની સાથે પર્યાવરણ જાળવણીમાં પણ મદદરૂપ બનશે. "નલ સે જલ" યોજના અંતર્ગત દરેક ઘરોમાં નળથી પીવાનું શુદ્ધ પાણી મળે તે માટેની કામગીરી પ્રગતિમાં છે, જે ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. આ કાર્યક્રમોમાં વાપી શહેર અગ્રણીઓ સર્વે શિલ્‍પેશ દેસાઈ, મહેશ ભટ્ટ, પરેશ દેસાઈ, વાપી નગરપાલિકા સભ્‍યો, હિતેશ સુરતી, ચણોદ જિલ્લા/તાલુકા પંચાયત સભ્‍યો સહિત સંબધિત વિસ્‍તારના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story