Connect Gujarat
ગુજરાત

વલસાડ : ભેંસધરા દૂધ મંડળીના નવનિર્મિત મકાન અને શીત કેન્‍દ્રનું પાણી પુરવઠા મંત્રીના હસ્‍તે ઉદઘાટન

રાજયમંત્રી જીતુ ચૌધરીએ દૂધ મંડળી હરહંમેશ પ્રગતિ કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, સહકારી પ્રવૃત્તિ સેવાની ભાવનાથી પરસ્‍પર સહયોગ અને વિશ્વાસથી ચાલે છે

વલસાડ : ભેંસધરા દૂધ મંડળીના નવનિર્મિત મકાન અને શીત કેન્‍દ્રનું પાણી પુરવઠા મંત્રીના હસ્‍તે ઉદઘાટન
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે મહિલાઓ સંચાલિત ભેંસધરા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લી. ખાતે ૩ હજાર લિટરની ક્ષમતા ધરાવતું નવનિર્મિત દુધઘર કમ ગોડાઉનના મકાન અને બલ્‍ક મિલ્‍ક કુલર (શીતકેન્‍દ્ર)નું ઉદઘાટન કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરીના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે રાજયમંત્રી જીતુ ચૌધરીએ દૂધ મંડળી હરહંમેશ પ્રગતિ કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, સહકારી પ્રવૃત્તિ સેવાની ભાવનાથી પરસ્‍પર સહયોગ અને વિશ્વાસથી ચાલે છે, જેની જવાબદારી મંડળીના મંત્રી અને કમિટીસભ્‍યો નિભાવે તે જરૂરી છે. સહકાર પ્રવૃત્તિ સાથે અહીંની મહિલાઓ જોડાઈને ગ્રામજનો અને સભાસદોના વિશ્વાસ સાથે સતત મહેનત કરી રહી છે, જે સરાહનીય છે. પશુપાલન સહિત તેને આનુસંગિક સાધનો ખરીદી માટે રાજ્‍ય સરકાર વિવિધ યોજનાઓ હેઠળ સહાય કરી રહી છે, જેનો લાભ લઈ પશુપાલન ક્ષેત્રે આગળ આવી પ્રગતિ સાધવા અનુરોધ કર્યા હતો. પશુપાલન માટે આપવામાં આવતી સબસીડીમાં આવનારા સમયમાં વધારો કરવામાં આવનાર છે અને આજના સમયમાં દૂધ સૌના માટે આવશ્‍યક છે, ત્‍યારે પશુપાલનનો વ્‍યવસાય કાયમી ચાલશે, જે ધ્‍યાને રાખી પશુપાલકો વધુ મહેનત કરી પશુપાલન ક્ષેત્રમાં આગળ આવે તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

Next Story