Connect Gujarat
ગુજરાત

વલસાડ : વિશ્વ વન દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્‍પર્ધા યોજાય

વલસાડ જિલ્‍લામાં વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પારનેરા ડુંગર ખાતે આરોહણ-અવરોહણ સ્‍પર્ધા યોજાય હતી.

વલસાડ : વિશ્વ વન દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્‍પર્ધા યોજાય
X

વલસાડ જિલ્‍લામાં વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પારનેરા ડુંગર ખાતે આરોહણ-અવરોહણ સ્‍પર્ધા યોજાય હતી. આ સ્પર્ધામાં ત્રણ વયજુથમાં નોંધાયેલા ૧૮૩ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ૧૪થી ૧૮ વર્ષની વયજૂથના ૧૧ ભાઇઓ અને ૪૫ બહેનો મળી ૫૬, ૧૫થી ૩૫ વર્ષના ૬૬ ભાઇઓ અને ૪૩ બહેનો મળી ૧૦૯ અને ૩૫ વર્ષથી વધુ વયના ૩૬ ભાઇઓ અને ૧૫ બહેનો મળી ૫૧ સ્પર્ધકોનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને અનુક્રમે ૧૪થી ૧૮ ભાઇઓમાં રોહન સંજય ગાંગોર્ડે, આદિલ મહેફુીસઅલી ખલીયા અને શિવ વેલીન કુમાર, જ્યારે બહેનોમાં સ્વીટી ધનંજય સિન્હા, હેરી કૌશિક પટેલ અને મહેશ સંજય જયસ્વાલ, ૧૮થી ૩૫ ભાઇઓમાં આદિત્ય શ્રોફ, અમિત શિવકુમાર સરોજ અને લતિશ ભૂપેન્દ્ર ગુપ્તા, જ્યારે બહેનોમાં ધ્રુવી એચ.ટંડેલ, નેહા પી. નિશાદ અને સુગંધી કે.પટેલ તેમજ ૩૫ વર્ષથી વધુ વયના ભાઇઓમાં અશ્વિન સી. ટંડેલ, કૃષ્ણાનંદ પાંડુરંગ હેબલે અને પિયુષકુમાર ટી. ટંડેલ, જ્યારે બહેનોમાં પ્રતિમા કૃષ્ણાનંદ હેબલે, રેખા રઘુનાથ પટેલ અને મંજુલા મનુભાઇ પટેલ વિજેતા જાહેર થયા હતા. આ અવસરે ધારાસભ્ય ભરત પટેલે સ્પર્ધકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, પારનેરા ડુંગરનું ઐતિહાસિક મહત્ત્વ છે. જેને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

જેના વધુ વિકાસ માટે વન વિભાગના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ અવસરે સી.સી.એફ. એસ. મનીશ્વરરાજાએ જણાવ્યું હતું કે, વિકાસની સાથે વનનું સંતુલન હોવું જરૂરી છે. તા.૨૧મી જૂને વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શુદ્ધ હવા મેળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઇએ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે વર્લ્ડ અર્થ ડે ઉજવી પૃથ્વી ઉપર સ્વચ્છ વાતાવરણ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને રમતગમત અધિકારી સહિત સહયોગીને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધાને વલસાડની ઓળખ બનાવીશું. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્‍લા વહીવટી તંત્ર, વન વિભાગ અને રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં સૌ પ્રથમવાર આવી આરોહણ-અવરોહણ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સ્‍પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારોને વન વિભાગ તરફથી પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story