વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સોનવાડા ગામે રૂ.૧૪ લાખના ખર્ચે નિર્માણ થનારા સોનવાડા ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત કચેરી એ આપણા ગામની સંપત્તિ છે, જે આજે નવી બનવા જઈ રહી છે, ત્યારે આપણે સૌ ગ્રામજનો સાથે મળીને ગામનો વિકાસ કરીએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો. રાજ્યના દરેક વિસ્તારમાં જરૂરિયાત મુજબ વીજળી, પાણી અને રસ્તાના કામો અવિરતપણે કરવામાં આવી રહ્યા છે. નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી આપવાની અનેક વિસ્તારોમાં શરૂઆત થઈ ગઈ છે. જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ૨૪ કલાક વીજળી આપવામાં આવી રહી છે. દરેક ઘરોમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે જરૂરિયાત મુજબ નવા સબસ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. સોનવાડાને જોડતા વિવિધ આંતરિક રસ્તાઓ અંદાજે વીસ લાખના ખર્ચે તબક્કાવાર બનાવાશે, જ્યારે વધુ અવરજવર વાળા રસ્તાઓ પહોળા બનાવવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી સામે રક્ષણ મળી રહે તે માટે સમગ્ર દેશમાં કોવિડ-૧૯ રસીકરણની કામગીરી થઈ રહી છે. સોનવાડા મુખ્ય શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. આ અવસરે પારડી તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનો, ઉપસ્થિત રહ્યા હતા.