Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર મનપા ચૂંટણીનું મતદાન શરૂ, 162 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં થશે કેદ

ગાંધીનગર મહાનગરપાલિકાની નવા સીમાંકન સાથે 11 વોર્ડની 44 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.

ગાંધીનગર મનપા ચૂંટણીનું મતદાન શરૂ, 162 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં થશે કેદ
X

ગાંધીનગર મહાનગરપાલિકાની નવા સીમાંકન સાથે 11 વોર્ડની 44 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અન્ય પક્ષ, અપક્ષો મળી 16ર જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે ત્યારે 2.82 લાખ મતદારોના હાથમાં આ ઉમેદવારોનું ભાવી છે.

આ ચૂંટણીમા ભાજપ માટે પ્રતિષ્ઠા, કોંગ્રેસ માટે અસ્તિત્વ અને આપ માટે એન્ટ્રીનો પ્રશ્ન છે ત્યારે ચૂંટણી તંત્રએ 284 મતદાન મથકો ઉપર સઘન સલામતી વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન કરવા કવાયત હાથ ધરી છે.

ગાંધીનગર કોર્પોરેશનમાં 145130 પુરૂષ અને 136758 સ્ત્રી મતદારો મળી કુલ ર81897 મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. કોર્પોરેશનમાં અત્યાર સુધી 58 ટકા જેટલું મતદાન વધુમાં વધુ થયું છે ત્યારે કોરોના કાળ પછી યોજાઈ રહેલી આ ચુંટણીમાં રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં સફળ થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું.

મનપાની ચૂંટણીમાં ભાજપના 44, કોંગ્રેસના 44, આમ આદમી પાર્ટીના 40, બહુજન સમાજ પાર્ટીના 14, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના 2, અન્ય 6 જ્યારે 11 અપક્ષ ચૂંટણીના મેદાને છે. દરેક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના 4-4 ઉમેદવારો મળી કુલ 88 ઉમેદવારો છે. તો આમ આદમી પાર્ટીના વોર્ડ નં-5માં 2, વોર્ડ નં-2 અને 4માં 3-3 તથા બાકીના તમામ વોર્ડમાં 4-4 ઉમેદવારો મેદાને છે. બહુજન સમાજ પાર્ટીના 14 ઉમેવાદરોમાં વોર્ડ નં-4, 8 અને 10માં 3-3 ઉમેદવારો જ્યારે વોર્ડ નં-3, 5, 6, 9, 11માં 1-1 ઉમેદવાર છે. નેશનાલીસ્ટ કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો વોર્ડ નં-1માં છે. અપક્ષોની વાત કરીએ તો સૌથી વધુ 5 અપક્ષો વોર્ડ નં-1માં છે. વોર્ડ નં-2 અને 3માં 1-1 તથા વોર્ડ નં-6 અને 8માં 2-2 અપક્ષ ઉમેદવારો મેદાને છે.

કુલ 284 મતદાન મથકોમાં 4 અતિ સંવેદનશીલ અને 144 સંવેદનશીલ મતદાન મથકો છે. ચારેય અતિ સંવેદનશીલ મતદાન મથકો વોર્ડ નં-4માં જ છે. આ વોર્ડમાં પાલજ, ધોળકુવા, ઈન્દ્રોડા, સેક્ટર-20નો કેટલોક ભાગ, બોરીજનો સમાવેશ થાય છે. સુરક્ષાને લઈને 1270 પોલીસ-હોમગાર્ડના જવાનો પોલીસ મથકો પર ગોઠવી દેવાયા છે.

Next Story
Share it