Connect Gujarat
આરોગ્ય 

અંકલેશ્વર બન્યું કોવેકસીનનું હબ, વર્ષે 20 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ

વેક્સીનની પ્રથમ બેચ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજરોજ રિલીઝ કરી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ રહ્યા હાજર

અંકલેશ્વર બન્યું કોવેકસીનનું હબ, વર્ષે 20 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ
X

અંકલેશ્વરમાં બનેલી કોરોનાની વેક્સીનની પ્રથમ બેચ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આજરોજ રિલીઝ કરી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ રા.ક.મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ રહ્યા હાજર

એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેકસીનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેની પ્રથમ બેચને રિલીઝ કરવા આજરોજ રવિવારના દિવસે કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઈઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવીયા મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રા.ક.મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મંત્રી નિશાંત મોદીએ હાજરી આપી હતી.




ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર JMD સૂચિત્રા એલ્લાએ એપ્રિલ-મે મહિનામાં જ ટ્વીટર ઉપર આ જાણકારી આપી હતી. ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેકસીનનું ઉત્પાદન કરાશે.

કોવિડ-19 કોરોના મહામારીના કારણે લાખો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સીન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યા છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે.

અંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડરી Chiron Behring Vaccines Pvt. Ltd. માં કોવેકસીનનું ઉત્પાદન જુલાઈથી શરૂ કરાયું હતું. ઓગસ્ટના પેહલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જયારે કંપનીમાં બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ ત્યારબાદ શરૂ કરી હતી. ભારત બાયોટેક દ્વારા હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરુ કરાયું છે. અંકલેશ્વર સ્થિત સબ્સિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ( 20 કરોડ) ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસ (હડકવા) વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે.

ભારત બાયોટેકે અત્યાર સુધી વેકસીનના 5 અબજ ડોઝ વિશ્વને આપ્યા છે. કંપની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે. WHO માન્યતા 16 વેકસીન, 4 બાયો થેરાપ્યુટીકસની 123 દેશોમાં નોંધણી છે. અંકલેશ્વરની પેટા માલિકીની ચિરોન બહેરિંગમાં કોવેકસીનના ઉત્પાદનને તાજેતરમાં જ લીલીઝંડી અપાઈ હતી.

Next Story