Connect Gujarat
ગુજરાત

દરેક વાલીએ વાંચવુ, સમજવુ

દરેક વાલીએ વાંચવુ, સમજવુ
X

જેસીન. એસ. જેણે બારમાં ધોરણ પછી શું કરવું ? એની મૂંઝવણ હતી. એના વાલી એમ માનતા હતા કે એમ.બી.બી.એસ. એવી શાખા છે જેમાં ઉજ્જવળ ભવિષ્ય છે. મારું પરિણામ આવ્યું, મેં નામાંકિત કોચિંગ ક્લાસ જોઈન્ટ કર્યો. મારે હોસ્ટેલમાં સેંકડો સ્ટુડન્ટસ સાથે રહેવાનું હતું. બધા જ એમ માનતા તેઓના સારા ટકા આવશે.

દસ મહિનાની નિદ્રાવિહિન મહેનત, મને લાગતું વાંધો નહિં આવે, પણ એન્ટરસ એક્ઝામમાં મને લાગ્યું જે મેં લખ્યું તે બધું જ ખોટું લખ્યું.

પરિણામ આવ્યું. મારા પડોશીઓને હું ક્યારે મળ્યો પણ ન હતો તે પણ હું ડૉક્ટર બનીશ કે નહીં તે જાણવા ઉત્સુક હતા. સગાસંબંધીઓના ટેલિફોન આવ્યા. ડૉક્ટર બનશે કે નહિં ? મને લાગ્યું હું જિંદગીની પરીક્ષામાં નાપાસ થયો છું. જેને મળું એને એવું સમજાવવું પડતું કે હું નાપાસ કેવી રીતે થયો ? હું આત્મવિશ્વાસ ગુમાવી રહ્યો હતો. બીજીવાર પરીક્ષા આપવાની હિંમત ખોઈ બેઠો હતો.

થોડો સમય પસાર થયો, મને કળ વળી. મેં પૂનાની ફરગ્યુસની કોલેજમાં જીઓલોજી માં પ્રવેશ મેળવ્યો. મારી જિંદગી બદલાઈ. નવા ચહેરા, નવું કેમ્પસ, નવી ભાષા, નવી સંસ્કૃતિ અને સૌથી મહત્વ નવા મિત્રો. મેં આ સાથે કોલેજની ફિલ્મ સોસાયટી જોઈન્ટ કરી અને ટ્રાવેલિંગ શરૂ કર્યું. થોડા જ દિવસોમાં મને સમજાયું મારો આજ સાચો પ્રકૃતિ પ્રેમ છે.

મેં દહેરાદૂનમાં ‘માસ્ટર્સ ઈન એન્વાયરમેન્ટ’ માટે એપ્લાય કર્યું, સાથે સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીની એન્ટરસ એક્ઝામ આપવાનું નક્કી કર્યું. એમ.બી.બી.એસ. માટે હું ૧૨ કલાક કાળી મજૂરી કરતો, તેના બદલે હવે હું માત્ર ૩ કલાક વાંચતો. છેવટે પરિણામ આવ્યું. હું સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રથમ હરોળમાં ઉત્તીર્ણ થયો. મેં ફોરેસ્ટ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ જવાનું પસંદ કર્યું. હું ત્યાં બન્જર જમીન વિશે, વેસ્ટ મેનેજમેન્ટ, જળસંગ્રહ કેવી રીતે કરાય તે શીખ્યો. મને લાગ્યું આ મારા અંતરાત્માનો અવાજ હતો જેને મેં પારખ્યો.

ચાર દિવાલ વચ્ચે બેસીને ભણવું કે પગભર થવું એના કરતા કુદરતના ખોળે હસતા રમતા રહી નવા મિત્રો બનાવતા બનાવતા આજીવિકા રળવી એ સાચો માર્ગ હતો.

આભાર ! મેડિકલ એન્ટરસમાં હું નાપાસ થયો. એનાથી મારો અંત ન હતો એક નવા શુભારંભના દ્વાર ખુલ્યા. (જેસીન. એસ. દહેરાદૂનની ફોરેસ્ટ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ફાઈનલ યરમાં અભ્યાસ કરે છે.)

Next Story