આસામના મુખ્યમંત્રી તેમજ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સામે FIR

New Update

આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. સીમા બાબતે બંને રાજયોએ એકબીજા સામે બાથ ભીડી છે તેવામાં મિઝોરમમાં આસામના મુખ્યમંત્રી તેમજ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

ભારતના બે પુર્વોત્તર રાજયો આસામ અને મિઝોરમ વચ્ચે સીમાનો વિવાદ વકરી રહયો છે. થોડા દિવસો પહેલાં થયેલી હીંસામાં આસામના પાંચ પોલીસ જવાનો અને એક નાગરિકનું મોત થયું હતું. મિઝોરમની વાત કરવામાં આવે તો મિઝોરમ 1972માં કેન્દ્રશાસિત પ્રદેશ અને 1987માં એક રાજ્યના સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી જ મિઝોરમનો આસામ સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે.આસામના બરાક ઘાટીના જિલ્લા કછાર, કરીમગંજ અને હેલાકાંડીએ અને મિઝોરમના ત્રણ જિલ્લા આઇજોલ, કોલાસિબ અને મામિત વચ્ચે 164 કિલોમીટર લાંબી સરહદ આવેલી છે.

મિજો નેતાઓનું કહેવું છે કે 1933માં મિજો સમાજની સલાહ નથી લેવામાં આવી, તેથી ત્યાંના લોકો આ અધિસૂચના વિરુદ્ધ છે તો બીજી તરફ આસામ સરકાર 1933ની અધિસૂચનાનું પાલન કરી રહી છે. બંને રાજયો કેન્દ્ર સરકારની દખલગીરીની માંગણી કરી રહયાં છે. આ બધા વિવાદની વચ્ચે મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા,આસામ પોલીસ IG અનુરાગ અગ્રવાલ, DIG દેવજ્યોતિ મુખર્જી, SP ચંદ્રકાંત નિમ્બાલકર અને ઢોલઈ પોલીસ સ્ટેશનના પ્રભારી ઉદ્દીન, કછારના ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લી અને કછાર ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર શનિદેવ ચૌધરી સામે એફઆઇઆર કરી છે. આ એફઆઇઆર બાદ બંને રાજયો વચ્ચે ચાલી રહેલો વિવાદ વધુ વકરે તેવી સંભાવના વ્યકત કરાય રહી છે.