પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ થતાં AIIMSમાં દાખલ

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે. તેઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી

New Update

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે. તેઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. તેમજ સતત ચેસ્ટ કન્જેશનની ફરિયાદ કરતા હતા. જે બાદ તેઓને તાત્કાલિક AIIMSના સી એન ટાવરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડૉ. મનમોહન સિંહની તપાસ માટે AIIMS એક મેડિકલ બોર્ડ બનાવી રહ્યું છે, જેને AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા હેડ કરશે.

ડો. મનમોહન સિંહ આ વર્ષે 19 એપ્રિલે કોરોના વાયરસથી પણ સંક્રમિત થયા હતા, ત્યારે પણ તેઓને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહને સામાન્ય તાવ આવ્યો હતો જે બાદ તેમની તપાસ કરવામાં આવતા કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણ થઈ હતી. પૂર્વ વડાપ્રધાન 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોનાની વેક્સિન લીધી હતી. ડૉ. મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલ તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં છે. વર્ષ 2009માં તેઓની AIIMSમાં બાયપાસ સર્જરી થઈ હતી.

દેશના 14માં વડાપ્રધાન પદે રહેલા ડૉ. મનમોહન સિંહ વિચારક અને વિદ્વાન છે, તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932નાં રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. તેઓએ વર્ષ 1948માં પંજાબ યુનિવર્સિટીથી મેટ્રિકનું શિક્ષણ પૂરું કર્યું હતું. જે બાદ તેઓએ પોતાનું હાયર એજ્યુકેશન બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતું. 1957માં તેઓએ ઈકોનોમીક્સમાં ફર્સ્ટ ક્લાસથી ઓનર્સની ડિગ્રી મેળવી હતી. જે બાદ 1962માં તેઓએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના નુફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડીફીલ કર્યું. 1971માં ડૉ. સિંહ વાણીજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે સામેલ થયા. 1972માં તેમની નિમણૂંક નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે થઈ હતી.

ડૉ. સિંહ 1991થી 1996 સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. પોતાના રાજકીય જીવનમાં ડૉ. સિંહ 1991થી ભારતીય સંસદના ઉપલા ગૃહના સભ્ય રહ્યાં, જ્યાંથી તેઓ 1998થી 2004 સુધી વિપક્ષના નેતા હતા. તેઓએ 2004ની સામાન્ય ચૂંટણીમાં 22 મે 2004નાં રોજ વડાપ્રધાન તરીકે શપથલીધા અને 22 મે 2009નાં રોજ બીજી વખત PM બન્યા હતા.

Latest Stories