Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : BMCમાં ફરિયાદ કરવા 24 વોર્ડમાં 24 હેલ્પલાઈન શરૂ, મુંબઈગરા ગમે ત્યારે માંગી શકશે મદદ...

નવા નગરસેવકો ચૂંટાતા નથી, ત્યાં સુધી મુંબઈગરાને કચરા, પાણી, રસ્તા સહિત અન્ય કોઈપણ સમસ્યા હોય તો તે માટે મુંબઈ મહાનગરપાલિકા 24 વોર્ડમાં 24 ફોન નંબર ઉપલબ્ધ કરવાની છે.

મહારાષ્ટ્ર : BMCમાં ફરિયાદ કરવા 24 વોર્ડમાં 24 હેલ્પલાઈન શરૂ, મુંબઈગરા ગમે ત્યારે માંગી શકશે મદદ...
X

મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની મુદત આગામી સાત માર્ચે પૂરી થઈ રહી છે. તેથી નવા નગરસેવકો ચૂંટાતા નથી, ત્યાં સુધી મુંબઈગરાને કચરા, પાણી, રસ્તા સહિત અન્ય કોઈપણ સમસ્યા હોય તો તે માટે મુંબઈ મહાનગરપાલિકા 24 વોર્ડમાં 24 ફોન નંબર ઉપલબ્ધ કરવાની છે. એ સિવાય '1916' ટોલ ફ્રી નંબર પર પણ ફોન કરીને ફરિયાદ કરી શકશે.

જોકે, સામાન્ય રીતે નાગરિકોને પાણી, રસ્તા અને કચરા જેવી કોઈ પણ ફરિયાદ હોય તો તેઓ સ્થાનિક નગરસેવકોને જ ફરિયાદ કરતા હોય છે. નગરસેવકના માધ્યમથી જ નાગરિકોની ફરિયાદ આગળ જતી હોય છે. વર્ષ 2017માં ચૂંટાયેલા નગરસેવકોની મુદત હવે સાત માર્ચના પૂરી થઈ રહી છે. તેથી તા. 8 માર્ચથી પાલિકાનો કારભાર પ્રશાસકના હાથમાં જશે. કોરોનાને કારણે આ વર્ષે ચૂંટણી લંબાઈ ગઈ છે. તેથી ચૂંટણી થઈને નવા નગરસેવકો અને નવી પ્રશાસકીય કમિટીનો કારભાર ચાલુ થાય નહીં ત્યાં સુધી નાગરિકોને તકલીફ થઈ શકે છે. તેથી પાલિકાએ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને 24 વોર્ડમાંથી સ્વતંત્ર ફોન નંબર ઉપલબ્ધ કરવાની છે.

એ સિવાય '1916' ટોલ ફ્રી નંબરની સગવડ પહેલાંથી જ ઉપલબ્ધ છે. પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા મુજબ હાઉસિંગ સોસાયટી, ઝૂપડપટ્ટી, એસ્ટાબ્લિશમેન્ટ અને ખાનગી ઓફિસ માટે આ હેલ્પલાઈન ઉપયોગી સાબિત થશે. એમ તો નગરસેવકોની મુદત પૂરી થયા બાદ પણ પ્રશાસન સાથે સંપર્કમાં હોવાના કારણે સ્થાનિક લોકપ્રતિનિધિ નગરસેવકો માટે કામ કરતા જ હોય છે. પરંતુ પદ નહીં હોવાથી કામ કરવા પર મર્યાદા આવી જતી હોય છે. તેથી મુંબઈગરાને કોઈ અડચણ આવે નહીં તે માટે પાલિકા 24 વોર્ડમાં 24 ફોન નંબર ઉપલબ્ધ કરાવા જઈ રહી છે.

Next Story