Connect Gujarat
Featured

જુનાગઢ : જંગલના રાજા સિંહની સોસાયટી વિસ્તારમાં થઈ એન્ટ્રી, આપ પણ જુઓ CCTV

જુનાગઢ : જંગલના રાજા સિંહની સોસાયટી વિસ્તારમાં થઈ એન્ટ્રી, આપ પણ જુઓ CCTV
X

જંગલનો રાજા સિંહ જંગલ છોડી ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારતો હોય છે. પરંતુ હવે જુનાગઢ શહેરની વચ્ચોવચ આવેલ સોસાયટી વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે, ત્યારે મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચઢેલો સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

આમ તો સિંહને એશિયાનું ઘરેણું માની ગૌરવ લેવામાં આવી રહ્યું છે. પરંતુ શિકારની શોધમાં સિંહ દર દર ભટકી રહ્યું છે. સિંહો હવે જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવી ચઢ્યા છે, તે વાત તો જૂની થઈ ગઈ છે. તો સાથે જ જંગલ વિસ્તારની હદ્દના ગામડાઓમાં સિંહ દરરોજ આંટાફેરા મારતા હોય છે, તે વાત પણ બધાએ સાંભળી છે, ત્યારે હવે જંગલ વિસ્તાર છોડી જુનાગઢની મધ્યમાં આવેલ જોષીપરા વિસ્તારના સરદારપરા શેરીમાં ગત રાત્રીના 4.30 વાગ્યાના સુમારે ગાયનો શિકાર કરવા માટે સિંહ આવી ચઢ્યો હતો. જોકે સોસાયટીમાં રહેતી એક મહિલા કે, જે વહેલી સવારના સમયે પાણી વાળવા નીકળી હતી, ત્યાં જ અચાનક તેણીને સિંહનો ભેટો થઈ ગયો હતો. પરંતુ પહેલા તેને આ વાત પર વિશ્વાસ ન આવતા તે અચંબામાં પડી ગઈ હતી, ત્યારે હેબતાઈ ગયેલી મહિલાએ અગાસીમાં જઇને જોયું તો સિંહ જ હતો. જેથી તેણે આસપાસના લોકોને જાણ કરી હતી. પરંતુ સિંહ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

બનાવની જાણ થતાં જ રાત્રિના સમયે લોકો એકઠા થઈ સમગ્ર મામલાની જાણ વન વિભાગને કરી હતી. પરંતુ સિંહ જોષીપરાના રહેણાંક વિસ્તારમાં આવે તે બાબતે વન વિભાગ પણ આ માનવા તૈયાર ન હતું. બાદમાં સ્થાનિકોએ આસપાસની દુકાનો અને શેરીઓમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં માની શકાય તેવી હકીકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, સિંહ આમથી તેમ શેરીઓમાં દોડધામ કરી રહ્યો છે. જોકે સિંહ જુનાગઢ શહેરની મધ્યમાં આવ્યા હોવાના મામલે વન વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા છે. પરંતુ હવે સિંહ માટે જંગલ અને રહેણાંક ગ્રામ્ય વિસ્તાર ટૂંકો પડી રહ્યો હોય તે વાત નિશ્ચિત છે.

Next Story