/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/m1.jpg)
માઁ નર્મદાને જીવંત રાખવા આવા ગેરકાયદેસર કૃત્ય કરનારા ભલે રાજકીય મોટા માથા હોય એમની સામે પણ કાયદેસરના કાનૂની પગલાં ભરવા માંગ કરી
નાંદોદ તાલુકાના પોઇચા ભાઠામાં ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદો ઉઠતાં ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ એ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ રેતી માફિયાઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. જોકે નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને સૂચના પણ આપી હતી એ સુચનાને અનુસંધાને ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ત્યારે રેતી માફિયાઓ વિરુદ્ધ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલને પત્ર લખી કાર્યવાહી કરવા રજુઆત કરી છે.મનસુખ વસાવાએ રેતી માફિયાઓ વિરુદ્ધ નર્મદા કલેકટર દ્વારા કરાયેલા કાર્યના વખાણ પણ કર્યા છે. સાથે સાથે એમ જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના રેતી માફિયાઓ સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.નર્મદા નદી પાસે ગેરકાયદેસર પાળાઓ ઠેર ઠેર જોવા મળે છે. નર્મદા નદીના પટમાં મશીનો વડે રેતી કાઢવાથી ૨૦-૨૫ ફૂટ ખાડા પડી જાય છે જેથી નર્મદાનું પાણી ભરૂચ સુધી પહોંચી શકતું નથી. જેને લીધે નર્મદા સૂકી ભટ્ટ બની ગઈ છે. માઁ નર્મદાને જીવંત રાખવા આવા ગેરકાયદેસર કૃત્ય કરનારા ભલે રાજકીય મોટા માથા હોય એમની સામે પણ કાયદેસરના કાનૂની પગલાં ભરો એવી મારી માંગ છે.