Connect Gujarat
ગુજરાત

ટેકનોલોજીના માધ્યમથી શૂલપાણેશ્વરથી નર્મદા ઘાટની આરતીને વ્યાપક બનાવાશે

ટેકનોલોજીના માધ્યમથી શૂલપાણેશ્વરથી નર્મદા ઘાટની આરતીને વ્યાપક બનાવાશે
X

કેન્દ્રિય સાંસ્કૃતિક સચિવ અરૂણ ગોયલ સ્થાનિક અધિકારીઓ સાથે કર્યો વિચાર-વિમર્શ

કેન્દ્રિય સાંસ્કૃતિક વિભાગના સચિવ અરૂણ ગોયલે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની નજીક સરદાર સરોવર ડેમ સાઇટ ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લઇ વિશ્વમાં સૌથી ઉંચી સરદાર સાહેબની આકાર લઇ રહેલી ૧૮૨ મીટરની પ્રતિમાની કામગીરી નિહાળી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="63734,63735,63736,63737,63738,63739"]

કેન્દ્રિય સચિવ અરૂણ ગોયેલની આ મુલાકાત દરમિયાન ગુજરાતના રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ વી.પી. પટેલ, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેક્ટર જેનુ દેવન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર સતીષ પટેલ, નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર આર.વી. ગજ્જર પણ તેમની સાથે જોડાયાં હતાં. કેન્દ્રિય સચિવ ગોયેલે આ મુલાકાત દરમિયાન શૂલપાણેશ્વર મંદિરની પણ મુલાકાત લઇ શિવજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.

શૂલપાણેશ્વર મંદિરમાં થતી પવિત્ર શિવઆરતી તેમજ નર્મદા ઘાટ પાસે થતી સંધ્યાઆરતીને ટેકનોલોજીના વિનિયોગથી વધુ વ્યાપક અને લોકભોગ્ય બનાવવા માટે ઓડિયો-વિડીયો અને લેઝર-શો સાથે વિશાળ પાયે વધુ ભવ્ય કઇ રીતે બનાવી શકાય અને ડેમ સાઇટ - સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા સમગ્ર દેશના તેમજ વિશ્વભરના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ સાથે આ નવલું નજરાણું પણ અવિસ્મરણીય સ્મૃતિ બની રહે તે રીતની સુવિધા વિકસાવવા માટેના પાસાંઓ અંગે રચનાત્મક સૂચનો સાથે રાજ્ય અને જિલ્લાના વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ સાથે જરૂરી વિચાર વિમર્શ કર્યો હતો. આમ, પ્રવાસન ઉપરાંત તિર્થધામ તરીકે શૂલપાણેશ્વરના વિકાસનો વિમર્શ પણ કરાયો હતો.

ગોયલે નર્મદા ડેમની એ-ફ્રેમ ડેમના ટોપ ઉપરથી ડેમના રિઝર્વોયરમાં પાણીના સ્ટોરેજનું પણ નિરીક્ષણ કર્યું હતું. કાર્યપાલક ઇજનેરશ્રી આર.વી. ગજ્જરે આ તકે શ્રી ગોયલને તકનીકી જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ જળાશય જ્યારે ૧૩૮.૬૮ મીટરે પહોંચશે, ત્યારે તેમાં ૯૫૦૦ મીલીયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો સમાઇ શકશે અને જળાશયની લંબાઇ ૨૧૪ કિલોમીટર જેટલી થઇ શકશે. ૧૨૦૦ મેગાવોટ ભૂગર્ભ જળવિદ્યુત મથકના ટર્બાઇન પણ આ સંજોગોમાં ચાલુ થશે. આમ, કેન્દ્રિય સચિવશ્રી ગોયલે ડેમનું કામ પૂર્ણ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતાં.

Next Story