Connect Gujarat
ગુજરાત

નવસારી : શહેરી વિસ્તાર કરતાં આદિવાસી પંથકનાગામડાઓ વધુ જાગૃત, વાંસદા તાલુકાના 99 ગામોમાં સજ્જડ બંધ

નવસારી : શહેરી વિસ્તાર કરતાં આદિવાસી પંથકનાગામડાઓ વધુ જાગૃત, વાંસદા તાલુકાના 99 ગામોમાં સજ્જડ બંધ
X

દિવસેને દિવસે વિકરાળ બની રહેલી કોરોનાની સાંકળ તોડવા માટે નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકામાં આજથી 28 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાના 99 ગામોમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળી, આગેવાનોની અપીલને સફળ બનાવી છે. સાથે જ પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાનું મંદિર પણ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

એક વર્ષ બાદ કોરોના વાયરસ ફરી ઉથલો મારતા તેની નવી લહેર કહેર વર્તાવી રહી છે. નવસારી જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે. જેમાં નવસારીનો આદિવાસી વિસ્તાર એવો વાંસદા તાલુકો આગળ આવ્યો છે. અહીંના આદિવાસીઓએ આજથી 28 એપ્રિલ સુધી તાલુકાના 99 ગામોમાં લોકોએ સંપૂર્ણપણે સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જવાબદારી ઉપાડી છે. ગત દિવસોમાં કોંગી ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોએ કરેલી સંયુક્ત બેઠક બાદ વાંસદા તાલુકામાં એક અઠવાડિયા સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને વાંસદા તાલુકાનાં અનેક ગામડાઓ પૂર્ણ પ્રતિસાદ આપી રહ્યા છે. તાલુકાના તમામે તમામ 99 જેટલા ગામોમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. તો કોરોના સંક્રમણને ધ્યાને રાખી ઐતિહાસિક ઉનાઈ માતાનું મંદિર પણ ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી શહેરો કરતા આદિવાસી પંથકના ગામડાઓ વધુ જાગૃત થયા છે, તેવું આજથી બંધ થયેલા વાંસદા તાલુકાને જોઈને લાગી રહ્યું છે.

Next Story