રાજકોટ : ગોંડલ નજીક 700થી વધુ પેટી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો, પોલીસે રૂ. 34 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

શિયાળાની
ઠંડકમાં પ્યાસાઓના કોઠા ગરમ કરવા બુટલેગરોએ દોડધામ શરૂ કરી હોય, તેવામાં ગોંડલ હાઇવે પર સ્ટેટ વિજિલન્સ ટીમે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક પકડી પાડતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા
પામ્યો છે.
ગોંડલ-રાજકોટ
નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે સ્ટેટ વિજિલન્સ ટીમે હરિયાણા પાસિંગની HR 74 A 6601 નંબરની ટ્રક ઉપર શંકા જતા તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઈવરની અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રકમાં 700 પેટી જેટલો વિદેશી
દારૂ સંઘરવામાં આવ્યો હતો. જેમાં કુલ 7188 બોટલ નંગ વિદેશી દારૂ હતો. આમ ટ્રક સહિત
પોલીસે કુલ 34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, ત્યારે આ સમગ્ર મામલાની તપાસ રાજકોટ ગ્રામ્ય એલસીબીને સોંપવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે
અંગે પોલીસે ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે.