Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : 2 તબીબોને ચેક ડેમમાં ન્હાવું પડ્યું ભારે, છેલ્લા એક સપ્તાહમાં પાણીમાં ડૂબવાથી 6 લોકોના મોત

રાજકોટ : 2 તબીબોને ચેક ડેમમાં ન્હાવું પડ્યું ભારે, છેલ્લા એક સપ્તાહમાં પાણીમાં ડૂબવાથી 6 લોકોના મોત
X

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પાણીમાં ડૂબી જવાના કારણે 6 જેટલી વ્યક્તિઓના મોત નિપજ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા પાસે આવેલી વારસીયા વાડીના ચેકડેમમાં ન્હાવા પડેલા 2 યુવાનોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. યુવાનો ડૂબ્યા હોવાની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડ તેમજ પોલીસને કર તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડનો કાફલો અને રાજકોટ ગ્રામ્ય પોલીસના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

જોકે, ઘટના સ્થળ પર પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા સૌપ્રથમ બન્ને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને ઘટનાસ્થળ પરથી કપડાં, એક બાઈક તેમજ 2 પાકીટ મળી આવ્યા હતા. જોકે, પાકીટમાં રહેલ ઓળખ પત્રના આધારે મૃતકો પીડીયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મૃતકનું નામ રવિ રાઠોડ, જ્યારે બીજા મૃતકનું નામ ચિરાગ ડામોર હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે રાઠોડ પરિવાર અને ડામોર પરિવારે પોતાના વહાલસોયા સંતાનને ખોવાનો વારો આવ્યો છે. આમ રક્ષાબંધન પૂર્વે જ રાઠોડ પરિવાર અને ડામોર પરિવારની દીકરીઓએ પોતાના ભાઈઓને ગુમાવ્યા છે. જોકે, 2 દિવસ પૂર્વે શાપર-વેરાવળ પાસે અને કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં 3 જેટલી યુવતીઓ ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા.

ઉપરાંત ગત રવિવારે રાજકોટના સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રહેતા લોહાણા પરિવારના સભ્યો એમબ્રાલ્ડ ક્લબ ખાતે ગયા હતા, જ્યાં 13 વર્ષનો બાળક મૌર્ય સ્વિમિંગ પુલમાં નાહવા પડતા તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. જેથી સમગ્ર જીલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પાણીમાં ડૂબી જવાના કારણે 6 જેટલી વ્યક્તિઓના મોત નિપજ્યાં હોવાનું બહાર આવ્યું છે.

Next Story