Connect Gujarat
Featured

ભરૂચ : મફતમાં અનાજ મેળવવા કાર્ડ ધારકોનો ધસારો, દુકાનો પર પોલીસ બંદોબસ્ત

ભરૂચ : મફતમાં અનાજ મેળવવા કાર્ડ ધારકોનો ધસારો, દુકાનો પર પોલીસ બંદોબસ્ત
X

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકો એકબીજાથી અંતર જાળવી રાખે તે માટે લોકડાઉન આપવામાં આવ્યું છે પણ બુધવારના રોજથી રેશનકાર્ડ ધારકો માટે મફતમાં અનાજનું વિતરણ શરૂ કરવામાં આવતાં દુકાનો પર લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

ભારત દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે લોકો એકબીજાથી અંતર જાળવી રાખે તે માટે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ગરીબ લોકોને અનાજની તકલીફ ન પડે તે માટે સરકારે બુધવારના રોજથી સસ્તા અનાજની દુકાનો ખાતેથી વિનામુલ્યે અનાજનું વિતરણ શરૂ કર્યું છે. ભરૂચ શહેર તથા જિલ્લાની મળી 500 કરતાં વધારે સસ્તા અનાજની દુકાનો ખાતે સવારથી જ કાર્ડ ધારકોનો ધસારો જોવા મળ્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દુકાનો ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સસ્તા અનાજની દુકાનોએ અનાજ લેવા જતી વખતે લોકો એકબીજાથી એક મીટરનું અંતર જાળવી રાખે તે ખુબ જરૂરી છે. છેલ્લા એક સપ્તાહથી આપણે સૌ લોકડાઉનનું પાલન કરી કોરોના વાયરસ સામે લડત આપી રહયાં છે ત્યારે થોડી વધારે કાળજી આપણને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકે તેમ છે. બીજી તરફ કાર્ડ ધારકોને અનાજ મળી રહે તે માટે ભરૂચના મામલતદાર તથા તેમની ટીમે વિવિધ દુકાનોની મુલાકાત લઇને વિતરણની વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

Next Story