Connect Gujarat
Featured

સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પાસે ટ્રિપલ અકસ્માત, આગમાં એક બળીને ખાખ!

સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પાસે ટ્રિપલ અકસ્માત, આગમાં એક બળીને ખાખ!
X

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ નજીકના મજરા ત્રણ રસ્તા નજીક આજે વહેલી સવારે ટ્રિપલ અકસ્માતની ગમખ્વાર ઘટના બની હતી. જેમાં ત્રણેય વાહનોમાં આગ ભભૂકી ઉઠતાં એક મહિલા બળીને ભડથું થઈ હતી. જ્યારે ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ચોકડી ઉપર આજે વહેલી સવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી વિગત અનુસાર સવારે 8.30 કલાકે અમદાવાદ તરફથી આવતી સીએનજી ગાડી, આઇસર તેમજ પિક અપ વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો. સીએનજી ગાડી પાછળ પશુ ધાસચારો ભરેલ આઈસર અને આઇસરની પાછળ પીકઅપ ડાલા ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સીએનજી ગાડીમાંથી ગેસ લીકેજ થતાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ત્રણેય વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.

આગ લગતા આઇસરમાં સવાર સુમિત્રા બેન રતિલાલ ઝાલા ઉ.વર્ષ. ૪૦ રહે. છાલા મુળ રહે. સંતરામ પુર આગમાં બળીને ભડથું થઇ હતા. જ્યારે ત્રણ અન્ય મહિલા, ઝુલેખાબીબી ઈસ્માઈલભાઇ કાજી ઉ. વર્ષ ૩૫ રહે. છાલા, અમીનાબેન જાકીરભાઇ રાઠોડ ઉ.વર્ષ-૩૫ રહે. છાલા, અફસાના બેન હનીફભાઇ કુરેશી ઉ.વર્ષ-૩૫ રહે. છાલાને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફતે પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સીએનજી ગાડી ચાલક કાંતિભાઇ મોહનભાઇ રાવળ ઉ.વર્ષ-૬૦ રહે. મુહુદા પણ ગંભીર રીતે શરીરે દાઝી જતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતાં. તમામ મહિલાઓ મજરા પાસે આવેલ ફેકટરીમાં નોકરી કરવા આવતી હતી.

આગની ઘટનાને પગલે પ્રાંતિજ ફાયર ફાયટર તથા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી. પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત બાદ સર્જાયેલ ટ્રાફિક જામને હળવો કરી આગળની કાર્યવાહી કરી હતી.

Next Story