Connect Gujarat
સ્પોર્ટ્સ

"અણનમ" : ભારતીય કેપ્ટન મિતાલી રાજનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ

અણનમ : ભારતીય કેપ્ટન મિતાલી રાજનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ
X

ભારતીય કેપ્ટન મિતાલી રાજે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને આખરી વન ડેમાં અણનમ ૭૫ રનની મેચ વિનિંગ ઈનિંગ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

ઈંગ્લેન્ડના વોર્સેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને આખરી વન ડેમાં મિતાલી રાજે ૮૬ બોલમાં ૧૧૨ બોલની અણનમ ઈનિંગ રમતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના કુલ રન ૧૦,૩૩૭ થયા હતા. આ સાથે તેણે સૌથી વધુ રન ફટકારવાના ઈંગ્લેન્ડની કેપ્ટન ચાર્લોટ્ટ એડવર્ડ્સના ૧૦,૨૭૩ રનના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ભારતે પણ ૨૨૦ના ટાર્ગેટને ૪૬.૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. જોકે, વરસાદના કારણે મેચ ૪૭-૪૭ ઓવરની રમાઈ હતી. આખરી વન ડે જીતવા છતાં ભારત ૧-૨થી શ્રેણી હાર્યું હતું.

સિવરના ૪૯ અને નાઈટના ૪૬ની મદદથી ઈંગ્લેન્ડે ૨૧૯નો સ્કોર કર્યો હતો. ભારતની દીપ્તિ શર્માએ ૩ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત તરફથી કેપ્ટન મિતાલીની સાથે સ્મૃતિ મંધાનાએ ૪૯, સ્નેહ રાણાએ ૨૪ રન કર્યા હતા. ઈંગ્લેન્ડની એક્લેસ્ટોને બે વિકેટ ઝડપી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય મેન્સ અને વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને મિતાલી રાજના નામે છે. યોગાનું યોગ તો એ છે કે, બન્ને ક્રિકેટરોનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ એક સરખી ઉંમરે જ થયો હતો. સચિન તેંડુલકરે ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની ઉંમરે વર્ષ ૧૯૮૯માં પાકિસ્તાન સામેની ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડગ માંડ્યા હતા, જ્યારે મિતાલી રાજે પણ ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની ઉંમરે જ વર્ષ ૧૯૯૯માં આયર્લેન્ડ સામેની વન ડે મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

Next Story