સુરતથી લગ્ન કરવા આવેલો યુવાન સીધો પહોંચ્યો પોલીસ મથકમાં જાણો કેમ?

New Update
સુરતથી લગ્ન કરવા આવેલો યુવાન સીધો પહોંચ્યો પોલીસ મથકમાં જાણો કેમ?

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અન્ય જ્ઞાતિના યુવાનોના લગ્ન કરાવવા રીતસરના દલાલો ફરતા હોવાની વાતોએ વેગ પકડ્યો છે. અન્ય જ્ઞાતિના યુવાનને આદિવાસી યુવતી સાથે લગ્ન કરાવવા વચેટીયો દલાલ લાખો રૂપિયા લેતો હોવાની વાતો પણ વહેતી થઈ છે. ત્યારે નર્મદા જિલ્લામાં આ બાબત સાબિત કરતો એક કિસ્સો બન્યો છે. જેમાં સુરતના યુવાન પાસે આદિવાસી યુવતી સાથે લગ્ન કરાવવા મહિલા દલાલે 1 લાખ માંગતા યુવાને રૂપિયા આપ્યા પણ ખરા. પરંતુ યુવાનના લગ્ન થયા જ નહીં.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક હીરાના કારીગરને લગ્નની લાલચ આપી મહિલા દલાલો એક લાખ રૂપિયા ખંખેરી લીધા બાદ ફરાર થઈ જતા આ બાબતે આમલેથા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતના વરાછા રોડ યોગી ચોકમાં રહેતા અને હીરાનું કામ કરતા ભાવેશ હિમ્મતભાઈ સવાણી લગ્ન માટે યુવતી શોધતો હતો. દરમિયાન ભરૂચ જિલ્લાના ઝઘડીયા,રાજપારડી તરફની મહિલા દલાલોએ ભાવેશ ભાઈને તેમના ચક્રવ્યૂહમાં ફસાવી લગ્નની લાલચ આપી એક યુવતી બતાવી જેનું નામ કિરણ હોવા છતાં કાજલ નામની ઓળખ આપી હતી સાથે સાથે આ યુવતી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામની હોવાનું જણાવ્યું હતું.

બંન્નેવના જૂનાઘાંટા ગામે બન્નેના ફુલહાર પણ કરાવ્યા બાદ વાત થયા મુજબ કોર્ટ મેરેજ માટે રાજપીપળા કોર્ટમાં જતા હતા.દરમિયાન એક લાખ રૂપિયા લીધા બાદ મહિલા દલાલોમાં સામેલ દેવલીબેન જગદીશભાઈ વસાવા (રહે.જુના ઘાંટા), કિરણબેન જેના પુરા નામની ખબર નથી (રહે.રાજપારડી) રાધાબેન પ્રભાત ભાઈ વસાવા (રહે ઉમલ્લા) સાથે અન્ય એક વૃદ્ધ મહિલા અમે કોર્ટમાં કાજલના દસ્તાવેજો લઈ પહોંચીએ છે તેમ કહી રફુચક્કર થઈ ગઈ હતી.રાજપીપળા કોર્ટમાં કન્યાની રાહ જોઈ રહેલા યુવકને છેતરાયા હોવાનો અહેસાસ થતા તેણે આખરે આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ આપી હતી.પોલીસે આ ચારેય મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ આમલેથા પીએસઆઇ એમ.બી.વસાવા કરી રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં બહાર એ આવ્યું છે કે આ ચારેય મહિલાઓએ રાજપારડીની કિરણબેનને કાજલ બનાવી સુરત વરાછાના યુવાન પાસેથી ફુલહાર બાદ એક લાખ રૂપિયા ખંખેરી લીધા છે.સાથે સાથે બનાવટી પરિવારજનો પણ ઉભા કર્યા બાદ લગ્ન કરાવવા એક લાખ રૂપિયાની માંગ કરી હતી.આમ સુરતથી લગ્ન કરવા આવેલો યુવાન પોતાની પત્નીને લઈને ઘરે જતા પેહલા સીધો જ પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

Latest Stories