Connect Gujarat
Featured

સુરત : છેલ્લા 2 માસથી પગાર નહીં મળતા સિવિલ-કોવિડ હોસ્પિટલના કર્મીઓ હડતાળ પર ઉતર્યા, ઇમરજન્સી સેવાને અસર

સુરત : છેલ્લા 2 માસથી પગાર નહીં મળતા સિવિલ-કોવિડ હોસ્પિટલના કર્મીઓ હડતાળ પર ઉતર્યા, ઇમરજન્સી સેવાને અસર
X

સુરત શહેરની સિવિલ અને કોવિડ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના લગભગ 800 જેટલા કર્મચારીઓએ પગાર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ સુપરિટેન્ડેન્ટની કચેરી બહાર ધરણાં પર માર્ગ બંધ કર્યો હતો. ઉપરાંત જ્યાં સુધી કર્મચારીઓનો પગાર નહીં થાય ત્યાં સુધી કામથી અળગા રહેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

સુરતની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના કર્મીઓને સ્પેરો એકાઉન્ટ દ્વારા પગાર ચૂકવવામાં 2 માસથી વિલંબ થઇ રહ્યો છે. ઉપરાંત કેટલાક કર્મીઓને તો છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી. અગાઉ આ મુદ્દે કર્મીઓએ 2 વખત હડતાળ પણ કરી હતી, ત્યારે તેઓને ગત 5મી તારીખે પગાર મળી આપવાનું આશ્વાસન અપાયું હતું. જોકે પગાર ન થતાં કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલ બહાર વિરોધ કરી સુપરિટેન્ડેન્ટ કચેરીએ ધસી આવી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે કચેરીની બહાર જ ધરણાં પર બેસી કચેરીનો માર્ગ બંધ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સમગ્ર મામલે સુપરિટેન્ડેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરની હાજરીમાં તમામ કર્મચારીઓને પગાર ચૂકવવાની હૈયાધરપત આપવામાં આવી હતી. જોકે હજી સુધી પગાર નહીં ચૂકવાતા બુધવારના રોજ ફરી એકવાર કર્મચારીઓ સુપરિટેન્ડેન્ટની કચેરી બહાર ધરણાં પર બેસી જઈ માર્ગ બંધ કર્યો હતો, જેમાં જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીં કરવાના નારા લગાવ્યા હતા. જોકે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઊતરી જતાં સિવિલ અને કોવિડ હોસ્પિટલની કામગીરીને મોટી અસર પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.

જોકે, પગાર મુદ્દે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કર્મચારીઓએ અગાઉ પણ વિરોધ નોંધાવી સુત્રોચાર કર્યા હતા. પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો નહિ આવતા ફરી એક વખત વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે કર્મચારીઓના વિરોધના પગલે હોસ્પિટલને અસર પહોચી રહી છે. જેમાં કર્મચારીઓનું કામ દર્દીના સગાઓને કરવાની નોબત આવી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર ઉપર પરિજનો લાવી રહ્યા છે, જેમાં એક્સ-રે, સિટી સ્કેન જેવા રિપોર્ટ માટે દર્દીને લઈ સગાવ્હાલાઓએ દોડધામ પણ કરવી પડી હતી. જોકે આ મામલો થાળે પાડવા અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. 800 કર્મચારીઓને 2 માસથી પગાર નહિ મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Next Story