Connect Gujarat
Featured

સુરત : મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે સ્થાનિક નેતાઓ પ્રત્યે મતદારોમાં રોષ, જુઓ શું છે સ્થાનિકોની માંગણી અને કેમ નોંધાવ્યો વિરોધ..!

સુરત : મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે સ્થાનિક નેતાઓ પ્રત્યે મતદારોમાં રોષ, જુઓ શું છે સ્થાનિકોની માંગણી અને કેમ નોંધાવ્યો વિરોધ..!
X

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે સ્થાનિક નેતાઓ પ્રત્યે મતદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 24માં આર્થિક પાયાની સુવિધા ન મળતાં મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જેને લઈ સોસાયટી બહાર બેનર લગાડી ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે આવતા નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી ચૂંટણીમાં મતદાન કરવાનો સાફ ઇન્કાર કર્યો છે.

પાંડેસરાના વોર્ડ નંબર 24માં આવેલ આશાપુરી વિભાગ-1ની સોસાયટીમાં રોડ-રસ્તા અને ગટર લાઇન સહિત પાણીની સમસ્યાનો રાજયકી નેતા દ્વારા ઉકેલ નહીં લાવામાં આવતા સોસાયટીમાં બેનરો લગાવી નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લા 5 વર્ષ દરમ્યાન અહીંના મતદારો આર્થિક પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે. રોડ- રસ્તા અને ગટર લાઇન સહિત પાણીની સમસ્યાથી અહીંના લોકો વર્ષોથી હાલાકી ભોગવતા હોવાના આક્ષેપ કરાયા છે. લોકોના આક્ષેપ છે કે, ચોમાસા દરમ્યાન પણ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. સોસાયટીના રોડ રસ્તા સુદ્ધાં રી- કાર્પેટ કરવામાં આવ્યા નથી.

ડ્રેનેજ લાઈનની સમસ્યા હોવા છતાં તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેથી આ વખતની ચૂંટણીનો સોસાયટીના રહિશો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે મહત્વનું છે કે, અહીં ચારે ભાજપના સીટીંગ કોર્પોરેટરો રહ્યા છે. તેમ છતાં સોસાયટીના લોકો આર્થિક પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે. જ્યાં સુધી મતદારોની સમસ્યાનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા બેનરો સોસાયટી બહાર લગાડવામાં આવ્યા છે.

Next Story