સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવાયાના 12 કલાકમાં જ મોત નીપજ્યું

32

શરીરમાં દુઃખાવો, તાવ અને અશક્તની ફરિયાદ સાથે ઉન પાટીયા વિસ્તારની મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવાયાના 12 કલાકમાં જ મોત નીપજ્યું હતું. શહેર રોગચાળાના ભરડામાં સપડાયું હોય અને સારવાર માટે આવતા દર્દીઓને દાખલ કરવાના બદલે રજા આપી દેવાતી હોય ત્યારે જ દર્દી મોતને ભેટતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ઉન પાટીયા વિસ્તારમાં આવેલા સાયરા નગરમાં રહેતી ચાર સંતાનોની માતા સુલ્તાનાબી શકીલ પીજારીને ગત રોજ શરીરમાં દુઃખાવો, તાવ અને અશક્તની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ટ્રોમા સેન્ટરમાં એકસ-રે કરાવ્યા બાદ નોર્મલ હોવાનું કહીને રજા આપી દેવાઈ હતી. દરમિયાન આજે રજા આપી દેવાયાના 12 કલાક બાદ મહિલાની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઉન પાટીયા વિસ્તારમાં પાણીના ભરાવાને લઈને રોગચાળો વકર્યો છે. ત્યારે ગત રોજ ઉન પાટીયાના રહિશો દ્વારા રોષ ઠાલલવામાં આવ્યો હતો. અને રજૂઆત પણ કરવામાં આવી હતી. દરમિયાન મહિલાના મોતના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે. સિવિલ હોસ્પિટલમાં મેલેરિયાના 85, ઝાડા ઉલટીના 90 ને તાવના 75 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.

LEAVE A REPLY