Connect Gujarat
ગુજરાત

સુરત : ચાઈનીસ અને રોમન ભાષા સાથે ઝાખરડા પ્રાથમિક શાળાનું અનોખુ શિક્ષણ

સુરત : ચાઈનીસ અને રોમન ભાષા સાથે ઝાખરડા પ્રાથમિક શાળાનું અનોખુ શિક્ષણ
X

બાળક ચાલવાનું શીખે અને ઘરમાં અને ઘરની બહાર તેમજ શાળામાં પા પા પગલી માંડે છે. શાળામાં બાળકના ભવિષ્યના ઘડતરની શરૂઆત થાય છે. આજે અમે આપને એવી સરકારી શાળા બતાવવા જઈ રહ્યા છે, જે બધી શાળાઓથી અલગ છે. ભણતર સાથે સંસ્કારોનું ઘડતર અને શું છે, શાળાની વિશેષતાઓ જોઈએ આ અહેવાલમાં "અનોખા શિક્ષણ સાથે સંસ્કાર"

બાળકોના પહેલા શિક્ષક એટલે માતા પિતા. પરંતુ આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં વાલીઓ પાસે લગભગ બાળકો માટે સમય નથી. વાલીઓ પોતાના સમયના અભાવે બાળકોને લાખો રૂપિયા ખર્ચીને સારા શિક્ષણ માટે ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે મૂકે છે, અને પોતાની જવાબદારી પૂર્ણ થઈ હોય તેમ સમજતા હોઈ છે. જ્યાં બાળકોને પુસ્તકિયા જ્ઞાન તો મળે છે, પરંતુ બાળકને ભણતર સાથે સંસ્કારોનું સિંચન પણ જરૂરી છે, ત્યારે માંગરોળ તાલુકના ઝાખરડા ગામે આવેલી એવી પ્રાથમિક શાળા જ્યાં બાળકોનું ભણતર અને સંસ્કાર લાખો રૂપિયાની ફી લેતી ખાનગી શાળાને પણ શરમાવે તેવું છે. શાળાની અનેક વિશેષતાઓ છે, લગભગ આખા ગુજરાતમાં એક પણ સરકારી પ્રાથમિક શાળામાં નહિ શીખવવામાં આવતી હોઈ એટલી ૬ જેટલી ભાષા શાળામાં શીખવવામાં આવે છે. જેમાં ચાઈનીસ, રોમન, હિન્દી, ઈંગ્લીશ, ઉર્દુ અને માતૃભાષા ગુજરાતીનો સમાવેશ થાય છે. ગામની ૧થી ૫ ધોરણની સરકારી શાળામાં ગામ અને બહારના ૭૪ જેટલા બાળકો અભ્યાસ કરે છે. બહારના એટલા માટે કે શાળાના શિક્ષણ અને મળતા સંસ્કારોને લઇ આજુબાજુના સોનગઢ સુધીના અન્ય ૧૬ બાળકો પણ અહી અભ્યાસ માટે આવે છે. બાળકોનું શિક્ષણ જોઈ કદાચ તમે પણ આશ્ચર્ય પામી જાઓ તેમ છે.

ઝાખરડા માંગરોળ તાલુકાનું નાનું એવું ગામ છે અને ત્યાંની વસ્તી બહુલ મુસ્લિમ અને આદિવાસી સમાજની છે, જ્યાં મુશ્કેલથી બાળકોને શાળાએ મોકલવામાં આવતા હોઈ છે, પરંતુ કેટલાક વર્ષો પહેલા અહિયાં શાળામાં આવેલ એક શિક્ષકએ સરકારી શાળાની પરિભાષા જ બદલી નાખી છે. અહી આખા ગામના બાળકો શાળાએ જઈ અદભૂત શિક્ષણ મેળવી રહ્યા છે. અહીના બાળકોને જોઈ કદાચ તમને એવું થશે કે આઈ.પી.એસ. કે આઈ.એ.એસ.ની બાળકો હમણાંથી જ તૈયારીઓ કરી રહ્યા હોય. અહી બાળકોના ભણતરની વાત કરીએ તો, બાળકો ગણિત અને અંગ્રેજી વિષયમાં વધુ હોશિયાર છે. ઉપરાંત માતૃભાષા ગુજરાતી સહીત ચાઈનીસ, રોમન, હિન્દી અને ઉર્દુ ભાષાઓનું જ્ઞાન પણ મેળવે છે. સાથે જ ભારતનું ગૌરવ એવા વેદિક ગણિતમાં પણ આ બાળકો નિપૂર્ણતા ધરાવે છે. ચાઈનીસ અને રોમન ભાષા જાણે માતૃભાષા હોય તેમ લખે છે.

ઝાખરડા ગામની પ્રાથમિક શાળામાં ખાનગી શાળા કરતા પણ સુંદર જ્ઞાન તો મળે જ છે, પરંતુ સાથે સાથે અહીના શિક્ષકો બાળકોમાં સંસ્કારોનું પણ એટલુ જ સિંચન કરે છે. શાળામાં આવતા હિન્દુ ધર્મના બાળકો શાળામાં આવે તે પહેલા શ્રેણીબધ્ધ રીતે હરોળમાં મંદિરે જઈ કપાળ પર તિલક કરે છે. ઘરે ગયા બાદ તમામ બાળકો દ્વારા માતા પિતાને પાણી પીવડાવવું ફરજીયાત છે. જેમાં બે-બેની ટુકડીમાં એક બીજાના ઘરે જવાનું હોય છે, જેથી કરીને માતા પિતાને પાણી પીવડાવવામાં આવે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખી શકાય. સાથે જ માતા પિતાને રોજ પગે લાગી આશીર્વાદ લઈ શાળાએ આવવું, જમતા પહેલા હિંદુ બાળકોએ ભગવદ ગીતા વાચવી અને ઘરના લોકોને વાંચી સંભળાવવી તેમજ મુસ્લિમ બાળકોએ બપોરે નમાઝ પઢી જમવા બેસવું જેવા અનેક નિયમોનું શાળા દ્વારા બાળકોને પાલન કરવવામાં આવે છે.

આ શાળાને ઉચ્ચ બનાવનાર શિક્ષકનું નામ છે શાહ મોહમ્મદ સઈદ ઈસ્માઈલ. મૂળ પલસાણા તાલુકાના બલેશ્વર ગામના પરંતુ નોકરીના કારણે માંગરોળના ઝાખરડા ગામે સ્થાયી થયા છે. ગામમાં આવ્યા બાદ ગામના લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા અને બાળકોને શાળા સુધી લઇ જવાનું કામ કર્યું અને ત્યાર બાદ બાળકોમાં થયેલા સંસ્કારોના સિંચન અને ભણતરને જોઈ ગામના લોકોમાં પણ ઉત્સાહ આવ્યો છે. બાળકો જે સરકારી પ્રાથમિક શાળામાંથી શિક્ષણ મેળવી રહ્યા છે તે કાબિલે તારીફ છે.

Next Story