Connect Gujarat
Featured

સુરત : ઝીંગા ઉછેર કરતાં ખેડૂતોની છેલ્લા 3 વર્ષથી બેઠી છે પનોતી, જાણો શું છે કારણ..!

સુરત : ઝીંગા ઉછેર કરતાં ખેડૂતોની છેલ્લા 3 વર્ષથી બેઠી છે પનોતી, જાણો શું છે કારણ..!
X

સુરત જીલ્લાના ઝીંગા ઉછેરથી ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. વ્હાઇટ સ્પોટ નામના રોગથી ઝીંગાનો વિકાસ અટકી જતાં ખેડૂતોને તળાવમાંથી સમય કરતા વહેલા પાક કાઢી લેવાની ફરજ પડી રહી છે. જોકે ઝીંગા પકવતા ખેડૂતોને રૂપિયા 100 કરોડથી વધુના નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.

સુરત જીલ્લાનો ઓલપાડ તાલુકો ઝીંગા ઉછેર માટે ખૂબ જાણીતો છે, અહીના વિસ્તારમાં દરિયાનું પાણી આવતું હોવાથી ખારી જમીનના કારણે મોટાભાગે સ્થાનિક ખેડૂતો ઝીંગા ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં કાંઠા વિસ્તારના લવાછા, સરસ, કુદીયાના અને દાંડી સહીતના અનેક ગામોમાં 1000થી પણ વધુ ઝીંગા તળાવો આવેલા છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી ખેડૂતોની જાણે પનોતી બેઠી હોય તેમ ઝીંગા ઉછેરના વ્યવસાયમાં નુકશાન થઇ રહ્યું છે. ગત વર્ષે ઝીંગામાં વ્હાઇટ સ્પોટ નામનો રોગ આવી જતા ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

જોકે આ વર્ષે પણ વ્હાઇટ સ્પોટ નામના રોગે માઝા મૂકી છે, ત્યારે વ્હાઇટ સ્પોટના કારણે ઝીંગા ખોરાક લેવાનું બંધ કરી દે છે. જેના કારણે ઝીંગામાં થતો વિકાસ અટકી જાય છે. ગુજરાતમાં મોટાભાગે ઝીંગાનું બિયારણ તમિલનાડુ અને આન્દ્રપ્રદેશથી લાવવામાં આવે છે, ત્યારે કોરોનાના કારણે ઝીંગાનો પાક છેલ્લા 2 મહિના જેટલો પાછળ ધકેલાયો છે, ઉપરથી આ વ્હાઇટ સ્પોટ નામનો રોગ આવતા ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાયા છે. તળાવ દીઠ 2 લાખથી વધુ ઝીંગાના બચ્ચાનો ઉછેર કરતા હોય છે. જેમાં 150થી 180 દિવસ બાદ તળાવ દીઠ 4થી 5 ટન જેટલો ઝીંગાનો પાક મળી રહે છે.

હાલ ઝીંગામાં થતો વ્હાઇટ સ્પોટ રોગના કારણે માત્ર 1000થી 1200 કિલો પાક તળાવ દીઠ નીકળી રહ્યો છે. જોકે આ રોગ ઝીંગામાં કયા કારણોસર આવ્યો તે હજુ જાણી શકાયું નથી. પરંતુ ખેડૂતોનું માનવું છે કે, સતત વરસાદ અને તેના બાદ એકાએક બદલાયેલા વાતાવરણના કારણે ઝીંગામાં વ્હાઇટ સ્પોટ રોગ આવ્યો હોવાની શક્યતા વર્તાઇ રહી છે. ઓલપાડ તાલુકાના ખેડૂતોને જ નહિ, પરંતુ સુરત જિલ્લાના ઝીંગા પકવતા ખેડૂતોને રૂપિયા 100કરોડથી વધુનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ઝીંગા પકવતા ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે.

Next Story