સુરત શહેરના મહિધરપુરા વિસ્તારના વસ્તા દેવડી રોડ પર યુવતીના ગળે બ્લેડ મુકનાર સનકી પ્રેમીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરી એકવાર સુરત શહેરના ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતના મહિધરપુરા વિસ્તારના વસ્તા દેવડી રોડ પર 2 દિવસ પહેલા સનકી પ્રેમીએ યુવતીને હેરાન પરેશાન કરી મુકી હતી. જેમાં યુવતી તાબે નહીં થતા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર બ્લેડ મુકી દીધી હતી, ત્યારે નજીકથી પસાર થતાં એક રાહદારીએ પોતાના જીવના જોખમે યુવતીને સનકી પ્રેમીએ ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
જોકે, યુવતીને મુક્ત કરાવવા ગયેલા યુવક પર સનકી પ્રેમીએ બ્લેડ વડે હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. તો બીજી તરફ, યુવતીને બચાવનાર યુવકનું પોલીસ તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જો યુવક વચ્ચે પડીને યુવતીને નહીં બચાવતે તો ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ઘટી જાત. સનકી પ્રેમીએ ઓરિસ્સાથી આવી યુવતી સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે સનકી પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.