-
કાપોદ્રા રહેતી યુવતીનો મૃતદેહ મળવાનો મામલો
-
તાપી નદીમાંથી મળ્યો હતો યુવતીનો મૃતદેહ
-
યુવતીના મૃતદેહનું પેનલ PM કરવામાં આવ્યું
-
ડૂબી જવાથી યુવતીનું મોત થયાનું સામે આવ્યું
-
મૃતકના પરિજનોની પોલીસ સમક્ષ ન્યાયની માંગ
સુરતની તાપી નદીમાંથી કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવતી રાત્રે 3 વાગ્યે તાપી નદી તરફ એકલી જતી હોવાનું દેખાય છે. આ સાથે પેનલ PMમાં પણ તેની સાથે કશું અજુગતું ન થયાનું અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયાનું સામે આવ્યું છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની 20 વર્ષીય યુવતી અનિતા અરવિંદ વાળા 2 દિવસ અગાઉ તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, અને બીજા દિવસે તેનો મૃતદેહ કાપોદ્રાના સિદ્ધકુટીરના તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો. જોકે, યુવતીના મૃતદેહ પર ઈજાના કે, અન્ય કોઈપણ નિશાન મળ્યાં નહોતા. યુવતીના આંતરવસ્ત્ર ગાયબ હોય, જેથી યુવતી સાથે અઘટિત ઘટના બની હોવાની આશંકાના પગલે પોલીસે સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે મૃતદેહનું પેનલ PM કરાવ્યું હતું.
પેનલ PM રિપોર્ટમાં યુવતીનું મોત પાણીમાં ડૂબવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ તબીબોએ આપ્યું હતું. જે બાદ પોલીસે મૃતદેહ પરિવારના સભ્યોને સોંપી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, બપોરના સમયે પરિવારજનો યુવતીનો મૃતદેહ લઈને કાપોદ્રા પોલીસ મથકે પહોચી હોબાળો મચાવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં યુવતીના સમાજના લોકો ભેગા થયા હતા, અને ન્યાયની માગ કરી હતી. અડધો કલાકની મથામણ અને પોલીસની સમજાવટ તેમજ આશ્વાસન બાદ પરિવાર યુવતીના મૃતદેહને લઈ અંતિમવિધિ માટે રવાના થયો હતો.