સુરેન્દ્રનગર : પાટડીનો દિવ્યાંગ બાળક અન્યો માટે બન્યો પ્રેરણારૂપ

અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી તે ઉકિતને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઉપરિયાળ ગામમાં રહેતા કિશનભાઈ છનીયારા સાર્થક કરી રહયો છે. જન્મથી દિવ્યાંગ હોવા છતાં તે લેખન, ચિત્રકળા અને ક્રિકેટમાં નિપુણતા ધરાવે છે. નિહાળો વિશેષ અહેવાલ.
પાટડી તાલુકાના ઉપરિયાળ ગામમાં રહેતો દિવ્યાંગ કિશન અન્ય લોકોને પ્રેરણા આપી રહયો છે. કિશને બંને હાથ નથી અને એક પગમાં તકલીફ છે. તે વ્યવસ્થિત રીતે બોલી પણ શકતો નથી. પણ કિશન જેમ જેમ મોટો થતો ગયો તેમ તેનામાં રહેલી બીજી શક્તિ બહાર આવતી ગઇ. કિશન પોતે દ્ધઢ મનોબળથી આગળ વધતો ગયો છે. તે ભણવામાં પણ હોશિયાર છે. બંને હાથ ન હોવા છતાં તે લખવામાં નિપૂણ છે. ચિત્ર સ્પર્ધામાં તેનો નંબર પણ આવેલ છે. કિશનના માતા પોતે ઘરકામ કરે છે. જ્યારે પિતા ખેતીકામ કરે છે. પણ કિશન પોતે દિવ્યાંગ છે તેનો અહેસાસ તેના માતા પિતા નથી થવા દેતો. ઘરની અંદર કોઈ કામ હોય કે પછી પિતા ને કોઈ કામ હોય તો તે મદદરૂપ પણ થાય છે. હવે વાત કરી કીશનના ભણતર વિશે તો હાલમાં તે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરે છે. અને એસ.એસ.સી. માં 68℅ સાથે પાસ થયો છે. તે અભ્યાાસ કરી શિક્ષક બનવા માંગે છે. બીજી તરફ તે ક્રિકેટની રમતમાં પણ કૌશલ્ય ધરાવે છે. જો મન મક્કમ હોય કઈક અલગ કરવાની તાકાત હોય તો શિખર પણ પહોંચી શકાય છે તે વાતને કિશન સાર્થક કરી રહયો છે.