Connect Gujarat
ટેકનોલોજી

હવે ગૂગલ મેપ્સ બતાવશે કે હાઇવે પર ક્યાં, કેટલો ટોલ ટેક્ષ લેવાય છે; લાવી રહ્યું છે આ ફિચર

હવે ગૂગલ મેપ્સ બતાવશે કે હાઇવે પર ક્યાં, કેટલો ટોલ ટેક્ષ લેવાય છે; લાવી રહ્યું છે આ ફિચર
X

ગૂગલ મેપ્સ કોઈ પણ સ્થાન અથવા સ્થળને નેવિગેટ કરવા માટે ઉપયોગમાં લેવાતી સૌથી લોકપ્રિય એપ્લિકેશનોમાંની એક છે. યૂઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે ગૂગલ નવા ફીચર્સ ઉમેરતું રહે છે અને હવે ટૂંક સમયમાં વધુ એક ફીચર ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે. જે મુસાફરી પ્લાન કરવામાં તમારી મદદ કરશે. અહેવાલો પરથી જણાય છે કે, કયા રોડ પર ટોલ ગેટ છે અને કેટલો ટોલ ટેક્સ આપવો પડશે તે અંગેની માહિતી ગૂગલ મેપ્સ આપશે.

આ સુવિધાના કારણે તમે યોગ્ય નિર્ણય લઇ શકશો. કથિત રીતે આ ફીચર અત્યારે પ્રારંભિક તબક્કામાં છે. ગૂગલ મેપ્સનું આ ફીચર બધા જ દેશને મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

મુસાફરી દરમિયાન ઘણી વખત આપણે ઘણા બધા ટોલ ટેક્સ જોઈને ચકિત થઈ જઈએ છીએ. આવી સ્થિતિથી બચવા માટે ગૂગલ મેપ્સમાં તમારો કુલ ટોલ ટેક્સ કેટલો થશે અને રસ્તામાં કેટલા ટોલ ગેટ આવશે તે અંગેની માહિતી આપવામાં આવશે. આ માહિતી પરથી તાગ મેળવી શકાશે કે, ટોલ ગેટ વાળો રોડ પસંદ કરવો કે નહીં. આ ફિચરથી સમય પણ બચશે.

નોંધનીય છે કે, આ ફિચર અંગે ગૂગલ દ્વારા હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એન્ડ્રોઈડ પોલિસના રિપોર્ટ મુજબ ગૂગલ મેપ્સ પ્રિવ્યુ પ્રોગ્રામ મેમ્બર્સને નેવિગેશન મારફતે રસ્તામાં રોડ, પુલ અને ટોલ ટેક્સ વિશે સંપૂર્ણ માહિતી આપશે. ગૂગલ મેપ્સ પ્રિવ્યુ પ્રોગ્રામ મેમ્બર્સના એક સભ્યએ સમજાવ્યું હતું કે, ગૂગલ મેપ્સ રસ્તામાં આવતા તમામ ટોલ ટેક્સ વિશે સચોટ માહિતી આપશે. યૂઝર રોડ પસંદ કરે તે પહેલાં તે સંપૂર્ણ નકશો બતાવશે.

ગૂગલ વેજ નામની મેપિંગ એપથી આ સુવિધા યૂઝર્સ સુધી પહોંચી શકે છે. આ એપને 2013માં હસ્તગત કરાઈ હતી. જેમાં ટોલ ટેક્સ અંગે જાણકારી આપવામાં આવે છે. ગૂગલે ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યાના ત્રણ વર્ષ પહેલા આ એપમાં ટોલ બતાવવાનું શરૂ થયું હતું. વેજ મેપિંગ સુવિધા માત્ર ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચિલી, કોલંબિયા, ડોમિનિકન રિપબ્લિક, ઇઝરાયેલ, લાતવિયા, ન્યુઝીલેન્ડ, પેરુ, પોલેન્ડ, પ્યુર્ટો રિકો, સ્લોવેનિયા, સ્પેન, ઉરુગ્વે અને યુએસમાં ઉપલબ્ધ છે.

ગૂગલ આ ફીચરને કઈ રીતે લાગુ કરશે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. ગૂગલ આ ફીચર માત્ર અમેરિકામાં જ આપશે કે ભારતમાં પણ લોન્ચ કરશે? તે અંગે પણ વધુ જાણકારી આપવામાં આવી નથી.

Next Story
Share it