Connect Gujarat
ગુજરાત

અમરેલીના વિરલે બનાવ્યું પક્ષીઓનાં અવાજ રેકોર્ડ કરતું ડિવાઈસ

અમરેલીના વિરલે બનાવ્યું પક્ષીઓનાં અવાજ રેકોર્ડ કરતું ડિવાઈસ
X

આકાશમાં મુક્તમને વિચરતાં પક્ષીઓનો મધુર કલબલાટ સાંભળીને સ્વાભાવિક રીતે આપણને નિરવ શાંતિ અને અનેરા આનંદની અનુભુતિ થતી હોય છે. ચકલી, કાબર, પારેવા, કોયલ અને મોરના મીઢા મધુર ટહુકા સાંભળીને મન મોહિત થઈ ઉઠે છે.

પરંતુ, આજના કહેવાતા શહેરીકરણને લીધે હવે પક્ષીઓના કલબલાટનું સ્થાન વાહનોના ઘરઘરાટ અને હોર્નના કર્કશ અવાજે લઈ લીધુ છે.

હવે, ઘોંઘાટભર્યા વાતાવરણમાં પક્ષીઓના કલરવ સાંભળવાની આપણી આદત પણ છૂટી ગઈ છે. પરંતુ, ગુજરાતમાં એક એવો વિરલ વ્યક્તિ છે. જેને પક્ષીઓ પ્રત્યે વિશેષ લગાવ છે અને તેણે પક્ષીઓના અવાજ સાંભળવા માટે એક ખાસ ડિવાઈસ બનાવ્યુ છે.

આમ, તો પક્ષીઓનો અવાજ સાંભળવા અને તેને રેકોર્ડ કરવાનું અત્યાધુનિક ડિવાઈસ માર્કેટમાં અવેલેબલ છે પરંતુ, અમરેલીના વિરલ જોશી નામના યુવકે પોતાની આગવી સુઝબુઝનો ઉપયોગ કરીને માત્ર ૪૦૦ રૂપિયાના નજીવા ખર્ચે એવુ ડિવાઈસ ડેવલોપ કર્યુ છે કે, તેનાથી તે આકાશમાં ઉડતા અથવા ઝાડ પર કલરવ કરતા કોઈપણ પક્ષીઓનો અવાજ સહેલાઈથી સાંભળી શકે છે અને તેને રેકોર્ડ પણ કરી શકે છે.

આ ડિવાઈસ બનાવવા માટે તેણે મોબાઈલ ફોન રેકોર્ડર, માઈક્રોફોન અને તગારા જેવા સામાન્ય ઉપકરણોનો ઉપયોગ કર્યો છે. પક્ષીઓના ખાસ પ્રકારના આ વોઈસ રેકોર્ડરથી વિરલ અત્યાર સુધીમાં પક્ષીઓની ૫૧૩ પ્રજાતિઓના અવાજો રેકોર્ડ કર્યા છે. હાલમાં તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છે.

ભારતમાં પક્ષીઓની જેટલી પ્રજાતિ છે તે તમામના અવાજો રેકોર્ડ કરવાની વિરલની મહેચ્છા છે અને તે પક્ષીઓના અવાજની એક ડેટા બેંક તૈયાર કરી રહ્યો છે. જેનાથી આવનારી પેઢીને પક્ષીઓ પ્રત્યે જાણકારી મળી રહે.

Next Story