Connect Gujarat
Featured

વડોદરા : સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં લાગી આગ, કોરોનાગ્રસ્ત દર્દીઓમાં મચી અફરાતફરી

વડોદરા : સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં લાગી આગ, કોરોનાગ્રસ્ત દર્દીઓમાં મચી અફરાતફરી
X

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જેમાં ઇલેક્ટ્રિક વાયરો સળગી ઉઠતા ધુમાડાથી કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ભારે અફરાતફરી મચી હતી.

કોવિડ સેન્ટરોમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. વડોદરા શહેરના સૌથી મોટા હોસ્પિટલ SSG ના ICU-2 વોર્ડમાં મોડી સાંજે આગ લાગવાની ઘટના બની હતી. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. દર્દીઓના સ્વજનોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા. બનાવની જાણ થતા જ ફાયર ફાઈટરો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સૌપ્રથમ વોર્ડમાં ફસાયેલા કોરોનાના દર્દીઓને બહાર કાઢ્યા હતા. જોકે વીજ પુરવઠો ખોરવાઈ જતા ફાયર ફાઇટરોને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી, હોસ્પિટલમાં ફસાયેલા તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આગ લાગેલ વોર્ડમાં કોરોનાગ્રસ્ત લગભગ 35 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જે પૈકી 14 દર્દીઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ શિફ્ટ કર્યા હતા જ્યારે અન્યને બીજા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

સયાજી હોસ્પટલમાં આગની ઘટના બનવાને કારણે સલામતીના કારણોસર તાત્કાલિક સારવાર વિભાગ પણ બંધ કરાયો હતો અને તાત્કાલિક વિભાગની બહારના ભાગે રોડ પર તબીબોએ દર્દીઓની સારવાર શરૂ કરી હતી. રોડ પર જ જે પેશન્ટોને ઓક્સિજનની જરૂર હતી તેમને આપવાનું શરૂ કરીને તેમને અન્ય વોર્ડમાં ખસેડવાનું શરૂ કરાયું હતું. આમ, સયાજી હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત રોડ પર મંગળવારે રાત્રે ઇમરજન્સી વિભાગ શરૂ કરાયો હતો.

Next Story