રાષ્ટ્રીય આપદા રાહત દળ એટલે કે, એન.ડી.આર.એફ. અત્યાર સુધી મેલ ડોમીનેટેડ એટલે કે, પુરુષોના આધિપત્યવાળું દળ હતું. હવે એમાં માતૃ શક્તિનો પ્રવેશ થયો છે. જોકે હજુ સુધી રાષ્ટ્રીય આપદા રાહત દળમાં મહિલાઓની સીધી ભરતી થતી નથી. પણ અન્ય પુરુષ બચાવકારોની જેમ હવે આ દળમાં વાયા સી.આર.પી.એફ. મહીલા શક્તિને સ્થાન મળ્યું છે. તે પ્રમાણે આ દળની વડોદરા ખાતેની બટાલિયન 6માં કુલ 600 જેટલા જવાનોમાં હવે 8 મહિલા બચાવકારો સામેલ છે, અને ખાસ વાત એ છે કે, આ તમામ મહિલાઓ કટોકટીના સમયે પ્રસૂતિ કરાવવાનું કૌશલ્ય ધરાવે છે.
વડોદરા બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું હતું કે. આ પૈકી 3 વિમેન રેસ્ક્યુર્સનો તાજેતરમાં રાજપીપળા મોકલવામાં આવેલા બચાવદળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ દળે બચાવકાર મહિલાઓને મેદાનમાં મોકલી હોય એવી આ પ્રથમ ઘટના હતી. ધ્યાન રહે કે, પૂર જેવી આફતો સમયે પાણીમાં ફસાયેલા લોકોમાં સગર્ભા મહિલાઓ પણ હોય છે, અને આવી કટોકટીના સમયે કોઈને વેણ ઉપડે એ શક્યતાને ધ્યાનમાં રાખીને આ લોકોને "ચાઇલ્ડ બર્થ ઈન ઇમરજન્સી"ની આપવામાં આવેલી તાલીમ મૂંઝવણ ઉકેલી શકે છે. એટલું જ નહીં, મૂળ સી.આર.પી.એફ.માં ભરતી થયેલી આ બચાવકાર મહિલાઓ હાલમાં પ્રતિનિયુક્તિથી ફરજમાં જોડાઈ છે. એમને કટોકટીના સંજોગોમાં જાનમાલના બચાવની 19 સપ્તાહની સઘન તાલીમ આપવામાં આવી છે, જેમાં બાળ જન્મ અને પ્રાથમિક તબીબી સારવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ જળ હોનારતો સમયે બચાવકાર્ય, પ્રાણીઓને ઉગારવા, દોરડા દ્વારા બચાવ, તૂટી પડેલી ઇમારતોના કાટમાળમાં શોધકાર્ય તેમજ રાસાયણિક, જૈવિક, વિકિરણીય અને પરમાણુ કટોકટીમાં બચાવ જેવી વ્યાપક તાલીમ આપવામાં આવી છે. આ ઘટના ખૂબ શકવર્તી છે, અને નિકટ ભવિષ્યમાં એન.ડી.આર.એફ.માં મહિલા શક્તિનું પ્રમાણ વધી શકે એવા સકારાત્મક સંકેત આપે છે.