Connect Gujarat
વડોદરા 

વડોદરા : જળ સૌભાગ્ય સુધારવા પાંચમા સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો મહેસૂલ મંત્રીએ પ્રારંભ કરાવ્યો

વડોદરા : જળ સૌભાગ્ય સુધારવા પાંચમા સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો મહેસૂલ મંત્રીએ પ્રારંભ કરાવ્યો
X

રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે જમીનની જળ સમૃદ્ધિ સુધારવા અને ચોમાસું પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા માટેના સુજલામ સુફલામ્‌ જળ સંચય અભિયાનના પાંચમા સોપાનનો ધરતી માતાના પૂજનથી પ્રારંભ કરાવ્યો હતો. જળ સંચય અભિયાન ખૂબ અદભૂત કાર્યક્રમ છે, ગુજરાત જળ સંચયની ક્ષમતા વધારવાનો વિચાર કરનારું દેશનું પહેલું રાજ્ય છે તેવી જાણકારી આપતાં મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યના 3 લાખ જેટલા નાના-મોટા તળાવોમાં ખૂબ ઓછો જળ સંગ્રહ થતો, નદીઓ સુકાઈ જતી તેનો ઉકેલ આ કાર્યક્રમથી મળ્યો છે.

રાજ્યની 13 નદીઓ આ કાર્યક્રમથી નવ જીવંત થઈ છે, અને જગત આખાએ ગુજરાતના આ કાર્યક્રમની નોંધ લીધી છે. આ અભિયાન હેઠળ ૨.૧૩ હેક્ટરમાં પથરાયેલા આ ગામ તળાવમાંથી ૫ હજાર ઘનમીટર માટી ખોદી, તળાવને ઊંડું કરીને જળ સંગ્રહ ક્ષમતામાં ૫૦ લાખ લીટરનો વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી તળાવની કાંપયુક્ત જમીન ખેતરોમાં પાથરવાથી ફળદ્રુપતા વધશે અને તળાવના કામમાં રોજગારી પણ મળશે.

પાંચમા તબક્કા હેઠળ વડોદરા જિલ્લામાં હયાત ગામ તળાવો ઊંડા કરવા, કાંસો અને નહેરોની સાફ સફાઈ, નવી ખેત તલાવડી, વન તલાવડી બનાવવી, ચેકડેમોમાંથી કાંપ કાઢવા સહિતના જળ સંગ્રહની શક્તિ વધારતા ૨૨૭ કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે ૪૧.૪૮ લાખ ઘનમીટર માટી ખોદવામાં આવશે અને તેનો ઉપયોગ ખેતરોમાં, તળાવોના પાળા મજબૂત કરવા તથા સરકારી વિકાસ કામોમાં કરવાનું આયોજન છે. આ સાથે જ રવાલના તળાવને ઊંડું કરવાનું કામ ૧૦૦ ટકા લોકભાગીદારીથી થશે તેને તેમણે આ કાર્યક્રમમાં વ્યાપક લોક સહયોગનું પ્રતીક ગણાવતા આનંદ વ્યક્ત કર્યો હતો.

Next Story