Connect Gujarat
ગુજરાત

વલસાડ : આહિર પ્રિમીયર લીગ તથા ખારવેલ પ્રિમીયર લીગની વિજેતા ટીમને ટ્રોફી-પુરસ્કાર એનાયત કરાયા

વલસાડ : આહિર પ્રિમીયર લીગ તથા ખારવેલ પ્રિમીયર લીગની વિજેતા ટીમને ટ્રોફી-પુરસ્કાર એનાયત કરાયા
X

વલસાડ આહિર યુથ કલબ દ્વારા વલસાડ આહિર પ્રિમીયર લીગ સીઝન-2નું આયોજન જીમખાના મેદાન ખાતે કરાયું હતું. જેમાં આહિર સમાજની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી વીર ફાઇટરની ટીમ વિજેતા તેમજ ઇન્‍ડિયન લાયન્‍સ ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમને વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર તેમજ મહાનુભાવોના હસ્‍તે ટ્રોફી તેમજ પુરસ્‍કાર એનાયત કરાયો હતો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે આહિર યુથ ક્‍લબને ટુર્નામેન્‍ટના આયોજન બદલ અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, રમત ગમતથી મન પ્રફુલિત બનવાની સાથે શરીર પણ સ્‍વસ્‍થ્‍ય રહે છે. રમતમાં હાર-જીત તો થાય જ છે, પરંતુ દરેક ખેલાડીએ ખેલદીલીની ભાવનાથી રમતમાં ભાગ લેવો જોઇએ. રાજ્‍ય સરકાર પણ ખેલ મહાકુંભ થકી રમતગમતક્ષેત્રને પ્રોત્‍સાહન આપી રહી છે, ત્‍યારે ક્રિકેટ ઉપરાંત પણ અનેક રમતો છે, જેમાં પણ આજના યુવાઓ ભાગ લે તે જરૂરી છે.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલ, પારડી ધારાસભ્‍ય કનુ દેસાઇ, વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણ દ્વારા રમતવીરોનો ઉત્‍સાહ વધારતા પ્રાસંગિક ઉદ્‌બોધનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશ આહિર, આહિર સમાજના અગ્રણીઓ, રમતવીરો તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહયા હતા.

ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ખાતે ખારવેલ પ્રિમીયર લીગની ક્રિકેટ ટુર્નામેન્‍ટનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ટુર્નામેન્‍ટમાં પટેલ ફળિયાની રાહુલ ઇલેવન વિજેતા જ્‍યારે ચાવડા ફળિયા ઇલેવન રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમને ગામના સરપંચ રેખાબેન પટેલના હસ્‍તે ટ્રોફી આપી ઇનામું વિતરણ કરાયું હતું.

Next Story