Connect Gujarat
ગુજરાત

આવી રહ્યું છે “વાયુ” : જાણો ગુજરાતમાં ક્યાં દરિયા કાંઠા વિસ્તારોમાંથી પસાર થશે “વાયુ” વાવાઝોડું

આવી રહ્યું છે “વાયુ” : જાણો ગુજરાતમાં ક્યાં દરિયા કાંઠા વિસ્તારોમાંથી પસાર થશે “વાયુ” વાવાઝોડું
X

ઉનાળાની ઋતુ બાદ ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર જ રહે છે. પરંતુ આ બંને ઋતુ વચ્ચેનો સમયગાળો પણ એક ક્ષણે લોકોના હૈય્યા હચમચાવી મૂકે છે. જી હા આપણે વાત કરી રહ્યા છે વાવાઝોડાની. ચોમાસાની શરૂઆતમાં વાવાઝોડું આવવું હવે અનિવાર્ય બની ગયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ પ્રકારનું વાતાવરણ સર્જાય છે. દર વર્ષે અલગ અલગ નામથી જાણીતા વાવાઝોડા લોકોને ખૂબ ડરાવે છે.

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તા. ૧૨મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને ૮૦થી ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, ૧૩મી અને ૧૪મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, સાથો સાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપ્યું છે. ‘વાયુ’ ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. મંગળવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી ૭૪૦ કિલોમીટર દૂર હતું, જે આગામી ૨૪ કલાકમાં ગુજરાતના વિવિધ દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ આ વાવાઝોડું મુંબઈથી ૫૪૦ કિલોમીટર દૂર છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે હાલ વાયુ વાવાઝોડું મુંબઈથી ૫૪૦ કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ૧૩મી જૂનના રોજ વહેલી સવારે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવ-દમણમાંથી પસાર થશે.

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાંને પગલે NDRFની ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગાંધીનગરની ૨ જેટલી ટીમ કચ્છના નલિયા અને કંડલા બંદર ખાતે જશે. વડોદરાથી પણ NDRFની ૯ ટીમ મોકલવામાં આવશે. આ સિવાય મોરબી, રાજકોટ, જોડીયા, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત રહેશે. તો પોરબંદર, સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આટલી બધી જગ્યાએ પહોંચી વળવા માટે રાજ્ય બહારથી ૧૧ NDRFની ટીમ બોલાવવામાં આવી છે. આ સિવાય પુના અને ભટીંડાની NDRFની ૫-૫ ટીમની મદદ લેવામાં આવી શકે છે. અજમેરથી પણ એક NDRFની ટીમ બોલાવાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ છ કલાક જેટલા સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. બાદના ૨૪ કલાકમાં આ ડિપ્રેશન ડીપડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખોરવાવાની પણ સંભાવનાઓ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસુ થોડું લંબાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી અંદાજે ૯૩૦ કિલોમીટર દૂર છે.

રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાંની આગાહીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે. દરિયામાં સંભવિત ચક્રવાતના પગલે અલગ અલગ NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ NDRFની ૯ ટીમ કચ્છ, દ.ગુજરાત જવા રવાના કરવામાં આવી છે. જરોદ હેડક્વાર્ટરથી ૯ ટીમો પણ રવાના થઇ ગઇ છે. બોટ, જનરેટર સહિતની બચાવ કામગીરીને લઈને તંત્ર સજ્જ થઇ ગયું છે.

NDRFની ટીમ બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે તૈયાર છે. જેમાં ઇલેક્ટ્રિક ઓપરેટેડ ચિપિંગ ડ્રિલિંગ મશીન, પૂર દરમિયાન કોઈ વ્યક્તિ ફસાયેલી હોય તો દીવાલ તોડવા માટે રોટરી હેમર ડ્રીલ મશીન, મજબૂત સિમેન્ટ ક્રોંકિટને તોડવા માટેના મશિનો, મોટા ઝાડની ડાળીઓને કાપવા માટે ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન, ડૂબતી વ્યક્તિ ને બચાવવા માટે રબર બોટ વગેરે તૈયાર રખાયા છે. આમ જોવા જઈએ તો રાજયના વિવિધ દરિયા કાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાને લઈને તમામ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ તાલુકા પ્રમાણે ટીમો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આશ્રયસ્થાનોની સંખ્યા, મેડિકલ ટીમો, રાહત બચાવ ટીમો બનાવવાના આદેશ પણ કરવામાં આવ્યા છે.

Next Story