હવામાં ગેસ ભળવાથી લોકોને પેટમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી સમસ્યાઓની ફરિયાદો ઉઠી
અંકલેશ્વર શહેરમાં આજરોજ તૂટી પડેલા 1.5 ઈંચ કરતા વધુ વરસાદને કારણે જીઆઈડીસી વિસ્તારની સ્થિતિ અતિ ગંભીર જોવા મળી હતી. જેમાં ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળતાં માર્ગો ઉપર પ્રદુષિત પાણી વહેતા નજરે પડ્યા હતા. વરસાદી કાંસ ઓવર ફ્લો થવાના પગલે આ પ્રદૂષિત પાણી માર્ગો ઉપર ફરી વળ્યા હતા. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
અંકલેશ્વરનાં ઉદ્યોગો દ્વારા વરસાદી માહોલ વચ્ચે હવામાનનો ગેરફાયદો ઉઠાવી હવામાં ગેરકાયદેસર રીતે ગેસ છોડી મૂકતા હોય છે. આવા સંજોગોમાં વતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ધુમ્મસ વાળું વાતાવરણ સર્જાયું હતું. સ્વાસ્થ્ય માટે ખૂબજ જોખમી એવું ગેસ સાથેનું વાતાવરણ નિર્માણ પામ્યું હતું. હવામાં ગેસ ભળવાથી લોકોને પેટમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, આંખોમાં બળતરા થવી જેવી સમસ્યાઓની ફરિયાદો ઉઠી હતી.
ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ પણ ઓવરફ્લો થતી જોવા મળી હતી. જેમાં કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી ભળતાં ઠેર ઠેર કેમિકલયુક્ત પાણી સાથેની નદીઓ વહેતી જોવા મળી હતી. જ્યારે આજ પાણી તળાવો અને નદીઓમાં ઠલવાતા હોવાથી નદી તળાવનાં પાણી પ્રદૂષિત થવાની સાથે જળચરોને પણ મોટાપાયે નુકશાન થવાની શક્યતા ઉપસ્થિત થઈ હતી.