/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-6.jpg)
વાઘોડિયાના તવરા ગામ પાસે બાઇક સવાર બે યુવાનો પર અચાનક બાવળનું વૃક્ષ તૂટીને પડતા એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના અકોટા ગામના બે મિત્રો વાઘોડિયા આવેલ જી. આઈ. ડી. સી ની કાંઈજન કંપનીમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હતા. તેઓ રાબેતા મુજબ આજે વહેલી સવારે બને મિત્રો પોતાની બાઈક લઈને વાઘોડિયા ખાતે આવેલ કાંઈજન કંપનીમાં નોકરીએ જવા નીકળ્યા હતા.
બંને મિત્રો બાઈક પર વાઘોડિયાના તવરા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડની બાજુમાં આવેલું બાવળનું મહાકય વૃક્ષ તૂટીને અચાનક ચાલુ બાઈક પર પડતા બંને મિત્રોને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બાઈક ચાલક સંજય વસાવાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજવા પામ્યું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલા મિત્ર મહેન્દ્ર વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની જાણ કાંઈજન કંપનીના એચ. આર ને થતાં તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ભેગા થયા હતા. ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફીક ખુલ્લો કરી મૃતદેહનો કબ્જો મેળવી પી એમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.આશાસ્પદ યુવકના મોતના સમાચાર ડભોઈ તાલુકાના નાનકડા એવા અકોટા ગામમાં પ્રસરતા ગામમાં ધેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.